Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધગધગતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છઃ ૧૮ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

સર્વત્ર હિટવેવ વધતાં ગરમીથી જનજીવન પ્રભાવિતઃ તાપમાનનો પારો ઉંચકાતા માર્ગો સુમસામ

રાજકોટ તા. ૧રઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અસહ્ય તાપથી જનજીવન પ્રભાવિત થયું છે. ગઇકાલે ૧૮ શહેરોમાં મહતમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઇ ગયું છે.

રાજયભરમાં બુધવારે હીટવેવની અસરને પગલે કાળઝાળ ગરમી નોંધાઇ હતી. ખાનગી હવામાન એજન્‍સીઓના અનુસાર અમદાવાદમાં બપોર દરમિયાન તાપમાનનો પાકો ૪૭ ડિગ્રીએ આંબી ગયો હતો. જો કે હવામાન વિભાગે શહેરમાં મહત્તમ ૪પ.૮ ડિગ્રી ગરમી નોંધાઇ હોવાનું જણાવ્‍યું હતું. રાજયમાં આજે ગરમીનો ૧૦૬ વર્ષનો રેકોર્ડ તૂટે એવી શકયતા છે.

કાલે રાજયના મોટાભાગના શહેરોનું તાપમાન ૪ર ડિગ્રીને પાર કરી ચૂકયું છે. તો એક ખાનગી વેબસાઇટ મુજબ અમદાવાદ અને સુરેન્‍દ્રનગરમાં સૌથી વધુ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન છેલ્લા ૧૦ વર્ષમાં અમદાવાદમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. જયારે વડોદરા ૪પ ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું છે. હવામાન વિભાગે પણ ઓરેન્‍જ એલર્ટ આપ્‍યું હતું. એકયુવેધર મુજબ રાજયના અનેક શહેરમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે.

સૌરાષ્‍ટ્રની વાત કરીએ બોટાદમાં ૪૪, ભાવનગરમાં ૪૪.પ રાજકોટમાં ૪૪.ર અને અમરેલીમાં ૪૪ તથા જુનાગઢમાં ૪ર.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજયના અન્‍ય શહેરો જેમ કે મહેસાણા, હિંમતનગર, ગલોધરા અને ખેડબ્રહ્મામાં ૪પ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે ધોળકા અને નડીયાદમાં પણ ૪પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજયમાં અંગ દઝાડતી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના રસ્‍તા પણ બપોરના સમયે સુમસામ જોવા મળ્‍યા હતા.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં હિટવેવ વધતાં કાગઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે.

બુધવારે જુનાગઢનું મહતમ તાપમાન ઉંચકાયને ૪ર.પ ડિગ્રી નોંધાતા મોડી સાંજ સુધી ગરમીનું આક્રમણ રહ્યું હતું.

અંગ દઝાડતી ગરમી અને અસહ્ય લુ વર્ષાથી બપોરનાં માર્ગો સુમસામ થઇ જાય છે. આ સાથે બપોરના ગ્રાહકો ફરકતા ન હોવાથી વેપાર-ધંધાને પણ અસર થઇ છે.

હજુ પણ બે દિવસ આકરી ગરમી રહેવાની શકયતા વચ્‍ચે આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૪.૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહેતા ગરમીની સાથે ઉકળાટ અને બફારો વધવા પામ્‍યો છે.

સવારથી જ ૬.ર કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાયો શરૂ થઇ જતાં આજે પણ જુનાગઢનું મહતમ તાપમાન ૪ર ડિગ્રી ઉપર રહેવાની શકયતા નકારી શકાતી નથી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં આગ ઝરતી ગરમી લોકો તોબા પોકારી ઉઠયા છે. અંગ દઝાડતી ગરમી તે લોકો પરસેવે નાહ્યા હતા. ભાવનગરમાં સિઝનની સૌથી વધુ ૪૪.પ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

ભાવનગરમાં બુધવારે ઉનાળાની સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ છે. મહત્તમ તાપમાન વધીને આજે ૪૪.પ ડિગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. આજે શહેરનું લઘુતમ તાપમાન ર૭.૯ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩ ટકા અને પવનની ઝડપ ૧૪ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ગરમીને કારણે રસ્‍તાઓ બપોરના સમયે સુમસામ ભાસતા હતા. ગરમીથી જનજીવન પર વ્‍યાપક અસર થઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવમાન ૩૭.૮ મહતમ ર૭.૧ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. 

(12:02 pm IST)