Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબીના બંધુનગર ગામ પાસે એકટીવા સ્લીપ થતા જીજ્ઞેશભાઇ રાઠોડનું મોત

મોરબીના રાપર ગામે ટ્રેકટર પલ્ટી ખાઇ જતા દબાઇ જતા ચાલક કુંભાભાઇનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨ઃ મોરબીના બંધુનગર ગામ પાસે એકટીવા સ્લીપ થતાં યુવકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે મૃતકની પત્નીએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદી જયોતીબેન જીતેશભાઇ રાઠોડના જણાવ્યા અનુસાર તેમના પતિ જીતેશ બંધુનગર ગામ નજીક આવેલ ચામુંડા હોટલ સામે પોતાના હવાલાવાળુ એકટીવા મો.સા. રજી. નં. જીજે ૩૬ એ ૩૬૯૮ પુરઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી પોતાની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા સ્ટ્રેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એકટીવા સ્લીપ થયું હતું. અને જીતેશને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ઇ.પી.કો. કલમ ૩૦૪(અ), ૨૭૯ તથા એમ.વી. એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસમાં રાપર ગામની રાધા કૂષ્ણા ગૌશાળામા સેવા આપતા ધનજીભાઇ મગનભાઇ વિડજાએ દાખલ કરેલ ફરિયાદ અનુસાર મોરબી તાલુકાના રાપર ગામમા તલાવડી આવેલ છે. જેમાં રાધા કૂષ્ણા ગૌશાળાનો પાણીનો અવાડો આવેલ છે. ત્યાં ટ્રેકટર ચાલક કુંભાભાઇ લખમણભાઇ અજાણાએ પોતાના હવાલાવાળુ એચ.એમ.ટી કંપનીનુ ટ્રેકટર જેના એન્જીન નં-૦૧૨૧૪૫ વાળુ લઇને આવ્યો હતો. ગૌશાળામાં તે અવાડો રીપેરીંગ કરવા માટે સિમેન્ટના ગળદા ભરી ખાલી કરી તલાવડી ઉપર ટ્રેકટર બેદરકારી અને પુરઝડપે પોતાની તથા માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કુંભાભાઇએ વાળવા જતા ટ્રેકટરના સ્ટેરીંગ પરનુ કાબુ ગુમાવતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને ટ્રેકટર ચાલક કુંભાભાઇ ટ્રેકટર નીચે દબાઈ જતા મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)