Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરમાં ખાનગી કોન્‍ટ્રાકટ આપી ભ્રષ્‍ટાચાર કરાતો હોવાનો આક્ષેપ : વિપક્ષના મ્‍યુનિ. કોર્પોરેટરો દ્વારા હોબાળો મચાવ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧ર :  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કામો માટે ખાનગી પેઢીને કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવે છે, પરંતુ નીચા ભાવના ટેન્‍ડરો ભર્યા પછી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વિપક્ષના કોર્પોરેટર દ્વારા હોબાળો મચાવી કમિશનરને આવદનપત્ર પાઠવાયું છે.

જામનગરમાં વિપક્ષી નગરસેવકોએ કહ્યું હતું કે, હાલ સિમેન્‍ટની થેલી નો ભાવ રૂપિયા ૪૧પ નો છે, લોખંડનો ભાવ ૮૦ રૂપિયા કિલો છે, જેસીબીનું ભાડું પ્રતિકલાકના ૮૦૦ રૂપિયા અને ટ્રેક્‍ટરનું ભાડું રૂપિયા ર૦૦૦ પ્રતિ દિવસ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા એસ્‍ટીમેટ કાઢીને ટેન્‍ડર બહાર પાડવામાં આવે છે. આ મુજબ કામ થાય તો જીએસટી પછી કોન્‍ટ્રાક્‍ટર પેઢીને ૩ થી ૪ ટકા રકમની આવક થઈ શકે, પરંતુ કોન્‍ટ્રાક્‍ટર પેઢી દ્વારા ૪૦ થી પ૦ ટકા નીચા ભાવે ટેન્‍ડર ભરી કામ મેળવી લેવામાં આવે છે. ત્‍યારપછી આવા કામના વધારાના ખર્ચાઓને મંજુર કરવામાં આવે છે. તેવા આક્ષેપ કરાયા છે. ભૂગર્ભ ગટરના કામમાં કૂંડી, પાઈપલાઈન નાંખવા મેનહોલ બનાવવામાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કયાંક તો પાઈપ નંખાયા નથી, કૂંડી બનાવાઈ નથી કે પેનલ મેન હોલ પણ બન્‍યા નથી, છતાં કામ પૂર્ણ થયાનું જાહેર કરી દેવામાં આવ્‍યું છે.  શા માટે? તેવા વિપક્ષી નગરસેવકોએ પશ્નો ઉભા કર્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ ઉપરાંત સોલીડ વેસ્‍ટ શાખામાં પણ કૌભાંડ કયાંકને કયાંક જોવા મળી રહ્યા છે. કચરા માટેનું વાહન બંધ હાલતમાં હોય તો તેના પણ બીલ બની જાય છે. કચરાના વજનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અગાઉ સસ્‍પેન્‍ડ થયેલા કર્મચારી દ્વારા જ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. વોર્ડ નંબર ૧ માં પાણીના ટાંકાઓ ભરીને ખાનગી કંપનીને મોકલી રહ્યા છે. સિવિલ શાખા પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. મોદી સ્‍કૂલથી ટીટોડી વાડી સુધી મેટલ રોડ તથા બે કિ.મી.ની ચાર સીસી કેનાલના કામમાં વ્‍યાપક ગરબડ થઈ છે. અહિના એક કામમાં ૮૦ લાખના કામમાં ૩૧ લાખનો વધારો કરી દેવામાં આવ્‍યો છે. જો આ તમામ બાબતે યોગ્‍ય તપાસ અને જરળરી પગલાં લેવામાં નહીં આવે તો લાંચ-રળશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવશે તેવા આવેદનપત્ર મ્‍યુનિ. કમિશનરને પાઠવાયું હતું.

 

કોંગ્રેસના કોર્પોરેટર સમજુબેન ૫ારિયાની આગેવાનીમાં ઝુબેદાબેન, કાસમભઈ જોખિયા વગેરે સાથે સ્‍થાનિક લોકો પણ બહોળી સંખ્‍યામાં જોડાયા હતાં. આ પહેલા તમામ લોકોએ સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેનની ચેમબર પાસે સૂત્રોચાર પણ કર્યા હતાં.(તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:58 pm IST)