Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબીમાં પ્રતિબંધિત પેટકોક વાપરતા સિરામીક એકમો ઉપર પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તવાઈ

સરતાનપર રોડ ઉપર બે સિરામીક એકમોમાં પેટકોકનો વપરાશ રંગે હાથ પકડી લઈ કડક કાર્યવાહી : ગાંધીનગર રિપોર્ટ

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૨ :  મોરબી જિલ્લામાં ૧૦૦૦ જેટલા સિરામીક એકમો આવેલા છે અને આ સિરામીક એકમોમાં અગાઉ કોલગેસ પ્લાન્ટથી કિલન ચલાવવામાં આવતી હોય ભયંકર હદે પ્રદુષણ ફેલાતું હોવાનું ધ્યાને આવતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને -પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા એક જ ઝાટકે તમામ કોલગેસ પ્લાન્ટ તાકીદે બંધ કરાવી દંડનીય કાર્યવાહી કરી હતી. આટલું ઓછું હોય તેવામાં મોરબીના કેટલાક સિરામીક એકમો દ્વારા ઇંધણ તરીકે પેટકોક વાપરવાનું શરૃ કર્યું હોવાનું મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના -ાદેશિક અધિકારીના ધ્યાને આવ્યું હતું.

 દરમિયાન આ પેટકોકના વપરાશ અંગે મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, સીરામીક એકમોમાં પેટકોક વપરાતો હોવાનું ધ્યાને આવતા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં સરતાનપર રોડ ઉપર જીપીસીબીના ચેકીંગ દરમિયાન સિલિકોન સીરામીક અને સેમસન સિરામીક ફેકટરીમાં બળતણ તરીકે પેટકોક વપરાતો હોવાનું સામે આવતા બન્ને એકમો વિરુદ્ધ પર્યાવરણીય કાયદા અન્વયે કડક કાનૂની કાર્યવાહી કરી ગાંધીનગર વડી કચેરી ખાતે ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ફોજદારી રાહે પણ બન્ને ફેકટરીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વધુમાં પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ મોરબીના તમામ સિરામીક ઉદ્યોગોને પર્યાવરણ માટે ખતરારૃપ પેટકોકનો બળતણ તરીકે વપરાશ નહીં કરવા અનુરોધ સાથે તાકીદ કરી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી જો કોઈપણ સીરામીક ફેકટરીમાં પેટકોકનો વપરાશ થતો હોવાનું જણાશે તો કડકમાં કડક પગલાં ભરવામાં આવશે તેવું પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ અંતમાં જણાવ્યું હતું.

બીજી તરફ પર્યાવરણ માટે ખતરારૃપ પેટકોકનાં વપરાશ અંગે મોરબી સીરામીક એસોસીએશનના અગ્રણીઓનો સંપર્ક કરતા તેઓએ પણ પેટકોકનો વપરાશ કોઈપણ સંજોગોમાં થવો ન જોઈએ તેમ જણાવી પેટકોકનાં વપરાશ અંગે ચિંતા વ્યકત કરી હતી.

(1:10 pm IST)