Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જુનાગઢમાં અડધો કરોડ પચાવી પાડવાનાં કારસા સામે પોલીસની મધ્‍યસ્‍થીથી મરણમુડી બચી ગઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ જૂનાગઢ રેન્‍જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્‍ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે' એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્‍યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે...ગોધાવાવની પાટી, વાલ્‍મીકિ વાસમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામગીરી કરતા, વિધવા મહિલાએ પોતાના પુત્ર, સમાજના આગેવાનોની સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાના પતિ ગુજરી ગયા હોય, પોતે પોતાના સંતાન અને ઉંમરલાયક જેઠ સાથે રહે છે. પોતાના જેઠ પણ સફાઈ કામદાર તરીકે કામ કરે છે, પરંતુ દારૂ પીવાની ટેવ હોય તેમજ માનસિક નબળા હોય, તેના આધાર કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ, ચેક બુક, વિગેરે ડોકયુમેન્‍ટ વિસ્‍તારના એક માથાભારે શખ્‍સ દ્વારા લઈ લીધેલા હોઈ અને ઘણા વર્ષોથી તેનો પગાર એટીએમ કાર્ડ મારફતે ઉપાડી, આ માથાભારે શખ્‍સ જ વાપરતો હોઈ, પોતાના જેઠને દારૂ પાઈને સહીઓ કરાવી, પોતાના જેઠના તમામ રૂપિયા આ માથાભારે શખ્‍સ વાપરે છે. પોતાના કુટુંબીજનો કહેવા જાય તો, આ માથાભારે શખ્‍સ કપડા કાઢીને મારવા દોડે છે અને ઘણા વર્ષોથી આ રીતે રૂપિયા ઉપાડીને વાપરે છે. તાજેતરમાં મે મહિનામાં પોતાના જેઠ રિટાયર્ડ થતા હોય, તેઓને આશરે રૂપિયા ૫૫ લાખ મળવાપાત્ર છે. પોતાના જેઠને સારા નરસાનું ભાન ના હોય, આ માથાભારે શખ્‍સ દ્વારા દારૂ પાઈને પોતાના જેઠ પાસે નોટરી કરાવી, પોતાના જેઠની નિવળત્તિના સમયે મળનાર અડધા કરોડ જેવી રકમ માથાભારે શખ્‍સને આપવા એફિડેવિટ કરાવી લીધેલ છે. પોતે તથા પરિવાર આ બાબતે આ માથાભારે શખ્‍સને કહેવા જતા, તારે જાવું હોય ત્‍યાં જા, તારા જેઠાના રૂપિયા મને આપવા તેણે એફિડેવિટ કરી આપેલ હોવાનું જણાવી, પોતાના જેઠના આખી જિંદગીની કમાણી સમાન નિવળત્તિ સમયના અડધા કરોડ રૂપિયા પચાવી પાડવાની પેરવી કરતા અને છેલ્લા ઘણા સમયથી જવાબ પણ ના આપતા હતા. અરજદાર એકદમ ગરીબ હોય અને ઝઘડાના કાયર હોય, સામાવાળા માથાભારે હોય અને ગમે તે હદ સુધી જવાની વળત્તિ વાળા હોઈ, વળદ્ધાવસ્‍થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, પોતાને પોતાના જેઠનાં હકક ના રૂપિયા ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાના જેઠની જીવનની મરણ મૂડી સમાન કમાણી પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ બી.કે.ચાવડા, સ્‍ટાફના હે.કો. માલદેભાઈ, રવિરાજસિંહ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળા માથાભારે ઈસમ ઉપર ગુન્‍હો દાખલ કરી, કડક કાર્યવાહી કરવા દબાણ લાવી, પોલીસની ભાષામાં સમજાવી દેતા, અરજદારના જેઠ ના આધાર કાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ, ચેક બુક, વિગેરે ડોકયુમેન્‍ટ, પોલીસની હાજરી માં સોંપી આપી, અગાઉ નિવળત્તિના સમયે મળનાર રકમ સાથે પોતાને કોઈ લેવાદેવા નહીં હોવા અંગે સોગંદનામુ કરી, તમામ ડોકયુમેન્‍ટ પરત સોંપી આપેલ હતા.  સામાન્‍ય ઘરના ગભરુ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી.

સિનિયર સીટીઝન અરજદાર દ્વારા ભૂતકાળમાં પણ દસ્‍તાવેજો પરત આપવા આજીજી કરેલ હતી, પરંતુ માથાભારે શખ્‍સ દ્વારા  ધમકીઓ આપી, પોતાના બધા કપડા કાઢી, પાછા પાડી દેતો હતો તેમજ અરજદારના જેઠ દ્વારા પોતાની તરફેણમાં સોગંદનામુ કરી દેવાનું જણાવી, સામી ફરિયાદ કરવાની ધમકીઓ આપતા, અરજદાર ફફડી ગયા હતા. પરંતુ, આ વખતે એ ડિવિઝન પોલીસની ટીમના પીએસઆઈ કે.બી.ચાવડા તથા પોલીસ ટીમ દ્વારા પોલીસનું અસલ રૂપ દેખાડી દેતા, માથાભારે શખ્‍સ શાનમાં સમજી ગયો હતો અને અરજદારને પોતાના જેઠના દસ્‍તાવેજો પરત આપવા સહમત થયો હતો...!!!

(1:27 pm IST)