Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધો.12 સાયન્સના પરિણામાં મોરબી જિલ્લો 85.36% સાથે રાજ્યમાં દ્રિતીય: વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી

સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો 85.36% રાજ્યમાં દ્રિતીય ક્રમ હાંસલ કર્યો છે. જ્યાં કુલ 1448 જેટલા છાત્રો એ પરીક્ષા આપી હતી.
આ અંગે મોરબીના જિલ્લા શિક્ષણધિકારીની સત્તાવાર જાહેર કરેલી યાદી અનુસાર મોરબી શહેરમાં 923 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 760 છાત્રો પાસ થતા શહેરનું પરિણામ 82.34% છે. જયારે હળવદમાં 377 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 341 છાત્રો પાસ થતા શહેરનું પરિણામ 90.45% છે.  જયારે વાંકાનેરમાં 148 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 135 છાત્રો પાસ થતા શહેરનું પરિણામ 91.22% છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે 10.00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું (GUJCET-2022) પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પાછલા બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર પડતી હતી. જોકે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોરોના કાબૂમાં આવતા નક્કી ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

(11:44 pm IST)