Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઝાલાવાડમાં બાળકનું કોરોનામાં શંકાસ્‍પદ મોત : પોઝિટિવ કેસમાં સતત વધારો

ભાવનગર ૧૫૬, કચ્‍છ ૧૦૫, મોરબીમાં ૧૦૨ પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખંપાળીયા ગામના ૯ વર્ષના બાળકનું કોરોનામાં શંકાસ્‍પદ મોત થતા અરેરાટી વયાપી ગઇ છે.
સુરેન્‍દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખંપાળીયામાં ૯ વર્ષના બાળકનું કોરોનામાં શંકાસ્‍પદ મોત થતા અરેરાટી વ્‍યાપી છે.
મુળીના ખંપાળિયા ગામના ૯ વર્ષીય સત્‍યરાજ વનરાજભાઇ જેબલિયાનું બુધવારે કોરોનાથી મૃત્‍યુ થયું હતું. ધોરણ ૪ના વિદ્યાર્થી સત્‍યરાજને ૪ દિવસ પહેલા માથું દુખતું હોવાથી સુરેન્‍દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. મગજનું ઓપરેશન કરવાનું હોવાથી ૩ દિવસની સારવાર બાદ કોરોનાનો ટેસ્‍ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. સારવાર ચાલતી હતી ત્‍યારે રિપોર્ટ આવ્‍યાના ૧૨ કલાકમાં તેનું મૃત્‍યુ થયું હતું.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં કોરોનાના વધુ ૧૫૬ કેસ નોંધાયા છે ભાવનગર માં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરના કોરોના ના કેસ ૧૩૦ અને ગ્રામ્‍ય વિસ્‍તારના ૨૬ સહીત કુલ ૧૫૬ᅠ કેસ આજના નોંધાયા છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા વધી ૭૦૦ થવા પામી છે. જયારે શહેરમાં ૩૮ દર્દીઓ અને ગ્રામ્‍ય માં ૪ દર્દી સહિત કુલ ૪૨ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા છે. કોરોના ના કેસો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
કચ્‍છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્‍છમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. ડિસેમ્‍બર અંત થી શરૂ થયેલ ત્રીજી લહેરનો પગ પેસારો ઝડપભેર ફેલાઈ રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે હોસ્‍પિટલમાં દાખલ થનાર દર્દીઓનું પ્રમાણ ઓછું છે તો સાજા થનાર દર્દીઓનું પ્રમાણ વધુ છે. નવા ૧૦૫ કેસ સાથે અત્‍યારે એક્‍ટિવ કેસની સંખ્‍યા ૪૦૨ છે. જેમાં માત્ર ૧૨ દર્દી જ હોસ્‍પિટલમાં દાખલ છે. જયારે ૩૯૦ દર્દી ઘેર સારવાર લઈ રહ્યા છે. કેસ વધવાના પ્રમાણની વાત કરીએ તો માત્ર જાન્‍યુઆરી મહિનામાં જ કેસની સંખ્‍યા ૭૭૨ થઈ ગઈ છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં નાગરિકોની બેદરકારીને પગલે કોરોના કેસો બમણા થવા પામ્‍યા છે. એક જ દિવસમાં મોરબી જીલ્લામાં ૧૦૨ કેસ નોંધાયા છે તો ૨૫ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે
મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકામાં ૮૫ કેસો જેમાં ૨૭ ગ્રામ્‍ય પંથક અને ૫૮ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેર તાલુકામાં ૧૨ કેસો જેમાં ૦૩ ગ્રામ્‍ય અને ૦૯ શહેરી વિસ્‍તારમાં , હળવદ તાલુકાના ૦૨ કેસો જેમાં ૦૧ ગ્રામ્‍ય, ૦૧ શહેરી વિસ્‍તારમાં, ટંકારા તાલુકાના ૦૨ કેસ ગ્રામ્‍ય પંથક અને માળિયા તાલુકામાં ૦૧ કેસ ગ્રામ્‍ય પંથક મળીને નવા ૧૦૨ કેસ નોંધાયા છે જીલ્લામાં ૨૫ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે. મોરબી જીલ્લામાં નવા ૧૦૨ કેસ નોંધાતા જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ૩૧૭ થયો છે કેસોમાં અસાધારણ ગતિએ વધારો થઇ રહ્યો છે ત્‍યારે નાગરિકો તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

 

(11:11 am IST)