Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભાવનગરમાં ફાયરીંગ કરીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓને આજીવન કેદ ફટકારતી અદાલત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૧૨ : ભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરિણીતાએ ખાધાખોરાકી અંગે કરેલા કેસ બાબતે આરોપીઓએ યુવાનને માથામાં ગોળી મારી હત્યા કરી હતી.

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આજથી બે વર્ષ પૂર્વે પરિણીતાએ ખાધાખોરાકી અંગે કોર્ટમાં કરેલા કેસને પગલે આરોપીઓએ એક યુવાનને સરાજાહેર રોડપર માથામાં ગોળી મારી હત્યા કરી હતી. આ અંગેનો કેસ ડિસ્ટ્રિકટ સેશન્સ કોર્ટમાં ચાલતાં જજ આર.ટી વચ્છાણીએ બે હત્યારાઓને કસુરવાર ઠેરવી અલગ અલગ કલમ હેઠળ આજીવન કેદ સાથે દંડ ફટકાર્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર આજથી બે વર્ષ પહેલાં વસીમ ફકીર મહંમદ શેખ ઉ.વ.૩૨ રે.ધોબી સોસાયટી બોરતળાવ વાળાએ એવાં પ્રકારે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના લગ્ન તથા તેના મોટાભાઈ અને બહેનના લગ્ન મામા-ફોઈના અંગત સંબંધોમાં થયા હતા. જેમાં મુસ્તુફા ઘોઘારી વિરુદ્ઘ ભરણપોષણ અંગે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે મુસ્તુફાને ભરણપોષણની રકમ ચુકવવા હુકમ કર્યો હતો.

આ ભરણપોષણની રકમ ચડી જતાં અને ભરણપોષણ માટે કરેલા કેસ અંગેની દાઝ રાખી ફરિયાદીના મોટાભાઈ અબ્દુલ વહાબ શેખ ઉ.વ.૩૫ ગત તા.૨૯-૯-૨૦૧૯ ના રોજ રાત્રે એસ.ટીથી ચાવડીગેટ તરફ જવાનાં રોડપરથી પસાર થઈ રહ્યાં હતાં તે વેળાએ આરોપી મુસ્તુફા ગફાર ઘોઘારી તથા તેનો મિત્ર તૌસીફ ઉર્ફે ઝીંગો દિલાવર કુરેશીએ અબ્દુલ વહાબ કુરેશીને રોડ વચ્ચે આંતરી તમંચા જેવા હથિયારમાથી ફાયરીંગ કરી હત્યા કરી નાસી છુટ્યા હતા.

જે અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદના અંતે આ કેસ ભાવનગર ડિસ્ટ્રિકટ સેશન્સના ન્યાયમૂર્તિ આર.ટી વચ્છાણીની કોર્ટમાં ચાલતા ન્યાયાધીશ આર.ટી વચ્છાણીએ સમગ્ર કેસની ગંભીરતાથી નોંધ લીધી હતી. સ્પેશ્યિલ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની તર્કબદ્ઘ દલીલો સાથે દસ્તાવેજી પુરાવા લેખિત મૌખિક જુબાની સાથે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી મુસ્તુફા ગફાર ઘોઘારી તથા તેનો મિત્ર તૌસીફ ઉર્ફે ઝીંગો દિલાવર કુરેશીને કસુરવાર ઠેરવ્યાં હતા.

આરોપી મુસ્તુફાને આઈપીસી એકટ ૩૦૨ મુજબ આજીવન કેદ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ તથા કલમ ૨૫(૧) એએ મુજબ ૭ વર્ષની કેદ સાથે રૂપિયા ૭ હજારનો દંડ કલમ ૨૫(૧)બીબી મુજબ ૧ વર્ષની કેદ સાથે રૂપિયા ૧ હજારનો દંડ તથા કલમ ૨૭(૨) મુજબ ૧૦ વર્ષની કેદ સાથે ૧૦ હજારનો દંડ અને જીપી ૧૩૫ મુજબ ૩ માસની કેદ સાથે રૂપિયા ૧૦૦દ્ગટ દંડ ફટકાર્યો હતો. તથા આરોપી તૌસીફને આઈપીસી એકટ ૩૦૨ મુજબ આજીવન કેદ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ માથી રૂપિયા ૧ લાખ મૃતકના પિતાને ચુકવવા હુકમ કર્યો હતો.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી અનુલક્ષીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એસ.ઓ.પી મુજબ બંને પક્ષના વકીલોને ઝૂમ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન સાંભળી ઓનલાઈન ચુકાદો આપવામાં આવ્યો હતો.

(2:15 pm IST)