Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

લોકો જાગે કોરોના ભાગે : હળવદની સુખપર ગ્રામ પંચાયતનો સ્તુત્ય પ્રયાસ

ગામડે લોકોને એકત્રિત નહીં થવા જાગૃતિ સંદેશ વહેતા કરી ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવાયા

(દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૧૩ : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની ત્રીજી લહેર દસ્તક દઈ ચુકી હોય તેવા સંકેતો વચ્ચે મોટા શહેરોમાં હજુ પણ રાજનેતાઓ અને અણસમજુ લોકો ભીડમાં ઉમટી કોરોના ગાઇડલાઇનનો છેદ ઉડાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સુખપર ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા લોકો જાગે કોરોના ભાગે સૂત્રને સાર્થક બનાવવા લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શીખ આપતા પોસ્ટર સમગ્ર ગામમાં લગાવી જનજાગૃતિ માટે સરાહનીય પ્રયાસ કરાયો છે.

સુખપર ગ્રામ પંચાયતના સરપંચ શીતલબેન ભરતભાઈ લોદરીયા એ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને લઈ ગ્રામજનો સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે અમારી પંચાયત દ્વારા ગ્રામજનો જયારે પણ દ્યરથી બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય બાંધે,સામાજિક અંતર જાળવે તેમજ બહારગામથી આવતા લોકો પહેલા પંચાયતનો સંપર્ક કર્યા બાદ જ ગામમાં પ્રવેશ કરે તેમ સહિતના કોરોના સામે સજાગ રહેવા નિર્ણયો લેવાયા છે સાથે જ ગામમાં લોકો જાગૃત બને તે માટે થઈ જાહેર જગ્યાઓ અને દુકાનો પર કોરોના સામે જાગૃતિ આપતા સંદેશા વહેતા કરી પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

બીજી તરફ ગ્રામજનો પણ ગ્રામ પંચાયત અને સરપંચના પ્રયાસને આવકારી રહ્યા છે અને ગામમાં પાનના ગલ્લે કે અન્ય જાહેર સ્થળોએ એકત્રિત થવાને બદલે દ્યરમાં જ સુરક્ષિત રહેવાનું પસંદ કરી કામ સિવાય બહાર જવાનું ટાળી પ્રવર્તમાન સ્થિતિમાં જાગૃત બન્યા છે.

(11:44 am IST)