Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

અમરેલીઃ રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એમ.જી. જોશીનો કાલે જન્‍મદિન

રાજકોટઃ.  વિદ્યાર્થી જ જેમના જીવનમાં પાંચ દાયકા સુધી કેન્‍દ્ર સ્‍થાને રહ્યો છે. અમરેલી જિલ્લામાં સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓના જેઓ રોલમોડેલ રહ્યા છે. કવચ અને કુંડળની માફક જેમના જીવન સાથે ગણિત અને વિજ્ઞાન વિષય હરહંમેશ જોડાયેલા રહ્યા છે. તેવા રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક એટલે અમરેલીના સર્વશ્રેષ્‍ઠ શિક્ષક એમ.જી. જોશી. કાલે તા. ૧૪ જાન્‍યુઆરી ૨૦૨૨ના જીવનના ૭૯ વર્ષ પુરા કરી ૮૦મા વર્ષમાં પ્રવેશે. એમ.જી. જોશીનો જન્‍મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામે તા. ૧૪-૧-૧૯૪૩ના થયો હતો. ગરીબાઈને કારણે હાથે રાંધી ફાનસના અજવાળે વાંચીને અભ્‍યાસ કરી આગળ વધી ૧૯૬૫માં બી.એસ.સી. થયા પછી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર એમ.જી. જોશી જૂન ૧૯૬૬થી પારેખ મહેતા વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા બાદ ૧૩ વર્ષ સુધી આ શાળામાં જ પ્રિન્‍સીપાલ રહ્યા.  ગુજરાત શાળા પાઠયપુસ્‍તક મંડળમાં ધો. પ થી ૧ર ના ગણિત-વિજ્ઞાનનાં ર૮ પાઠયપુસ્‍તકોનું તેઓએ લેખનકાર્ય કર્યુ ર૮ સંદર્ભ પુસ્‍તકો પણ આપ્‍યા. માધ્‍યમિક શિક્ષક માટેના સામયિક માધ્‍યમિક સંદેશ અને આચાર્ય સંઘના સારસ્‍વતમાં શિક્ષણનાં અનેક લેખો તેમણે લખ્‍યા અમરેલી જિલ્લામાં માધ્‍યમિક શિક્ષક તરીકે સંઘની સ્‍થાપના કરી. રાજયના મહામંડળના અનેક હોદ્દા ઉપર રહી તેઓએ માધ્‍યમિક શિક્ષણ ધારો, પેન્‍શન, બેંક, દ્વારા પગારની ચુકવણી, ફાજલનું રક્ષણ જેવા અનેક લાભો મેળવવાના પ્રયત્‍ નો કર્યા. ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં સભ્‍યપદે રહીને કૃપા પણ મેળવનાર વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપીને પોતાની કારકિર્દી ઘડવા ઇચ્‍છતો હોય તો તે કરી શકે છે તેવા નિયમની જોગવાઇ કરાવી હતી.  અમરેલી જિલ્લામાં વર્ષો સુધી શિક્ષક ક્ષેત્રને ઉજળુ બનાવનારા આ શિક્ષક માત્ર શાળા સુધી જ તેમની પ્રવૃત્તિઓ મર્યાદીત નથી રાખી. અમરેલીની વ્‍યાયામ શાળામાં પણ તેઓનું યોગદાન નોંધપાત્ર રહ્યુ છે. તેમની શાળામાં અભ્‍યાસ કરી વિવિધ ક્ષેત્રમાં આગળ વધીને અમરેલીને ગૌરવ અપાવનાર રાજકીય-સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અનેક મહાનુભાવો આજે પણ એમ.જી. જોશીનું નામ સાંભળી આદરપૂર્વક નતમસ્‍તક થઈ જાય છે

 

(2:35 pm IST)