Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સૌરાષ્ટ્રમાં મગફળી - કપાસની પ્રારંભિક વાવણી લગોલગ : કુલ ૧,૯૯,૩૦૦ હેકટરમાં

રાજ્યનું ગઇકાલ સુધીનું કુલ વાવેતર ૨,૫૩,૦૦૦ હેકટરમાં : ગયા વર્ષની ૧૩ જૂનની સરખામણીએ ૩૪૪૭૫ હેકટર વધુ વાવેતર

રાજકોટ તા. ૧૫ : ગુજરાતમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજાએ હાજરી પૂરાવતા ખેડૂતો ખુશ થઇ ગયા છે. કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઇ જતા વાવણી શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં ખરીફ મોસમમાં કપાસ અને મગફળી મુખ્ય પાક છે. સામાન્ય રીતે ૨૦ જૂન પછી વાવણી થાય છે પરંતુ આ વખતે જૂનના બીજા અઠવાડિયામાં જ મેઘસવારી આવી પહોંચતા ઘણા વિસ્તારોમાં વાવણી શરૂ થઇ છે. પ્રારંભે કપાસ અને મગફળીનું વાવેતર લગોલગ જણાય છે. આ વર્ષે ખેડૂતોને કપાસના વિક્રમસર્જક ભાવ મળ્યા હોવાથી સૌરાષ્ટ્રમાં મગફળીના પ્રમાણમાં કપાસનું વાવેતર વધુ કરવામાં આવે તેવી શકયતા છે. હજુ મોટાભાગની વાવણી બાકી છે.

સરકારી આંકડા મુજબ ૧૩ જૂનની સાંજ સુધીની સ્થિતિએ રાજ્યમાં ૨.૯૩ ટકા વાવેતર વિસ્તારમાં વાવણી થઇ છે. ગયા વર્ષની ૧૩ જુન સુધીમાં ૨,૧૮,૫૫૪ હેકટરમાં વાવણી થયેલ. તે આ વખતે વધારા સાથે ૨,૫૩,૦૨૯ હેકટરમાં વાવણી થઇ છે. રાજ્યમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તુવેર, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે.

ગુજરાતમાં કુલ વાવેતરમાં હાલની સ્થિતિએ સૌરાષ્ટ્ર સૌથી આગળ છે. રાજ્યમાં કુલ ૨,૫૩,૦૦૦ હેકટરમાં વાવેતર થયું. તેમાં ૧,૯૯,૩૦૦ હેકટર એકલા સૌરાષ્ટ્રમાં છે. કચ્છમાં ૨૩,૪૦૦ હેકટરમાં, ઉત્તર ગુજરાતમાં ૨૦,૭૦૦ હેકટરમાં, મધ્ય ગુજરાતમાં ૮૪૦૦ હેકટરમાં અને દક્ષિણ ગુજરાતમ)ં ૧૪૦૦ હેકટરમાં વાવણી થઇ છે. ૧૫ જુલાઇ સુધીમાં વાવણી કાર્ય પુરૃં થવાની ધારણા છે. મગફળી દિવાળી ટાણે બજારમાં આવવા લાગશે. કપાસ ધૂળેટીના અરસામાં બજારમાં આવે છે. આકાશ ગોરંભાયેલું રહે છે. ખેડૂતો સમયસર સારા વરસાદની આશા રાખી રહ્યા છે. હજુ ચોમાસાની શરૂઆત થઇ રહી છે. આવતા બે મહિના ખેતી માટે નિર્ણાયક બનશે.

સૌરાષ્ટ્રમાં વાવેતરની સ્થિતિ

(આંકડા હેકટરમાં દર્શાવેલ છે)

જિલ્લો        મગફળી   કપાસ

સુરેન્દ્રનગર    ૩૯૦૦     ૩,૨૬,૦૦

રાજકોટ       ૧,૯૫,૦૦  ૧,૯૦,૦૦

જામનગર     ૧,૨૪,૦૦  ૦,૪૪,૦૦

પોરબંદર      ૦,૫૨,૦૦  ૫,૦૫,૦૦

જૂનાગઢ       ૩,૨૯,૦૦   ૦,૩૭,૦૦

અમરેલી      ૦૦૧,૦૦   ૦,૦૪,૦૦

ભાવનગર     ૦૦,૩,૦૦  ૦,૦૧,૦૦

મોરબી        ૧,૫૩,૦૦  ૨,૬૫,૦૦

બોટાદ        ૦,૦૨,૦૦  ૦,૬૩,૦૦

ગિર સોમનાથ ૦,૭૯,૦૦ ૦,૦૯,૦૦

દેવભૂમિ દ્વારકા           ૦,૦૮,૦૦    ૦,૦૦,૦૦

કુલ           ૯,૮૪,૦૦ ૯,૪૩,૦૦

(11:36 am IST)