Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમરેલી જિલ્લામાં પી.એમ. કિસાન યોજના અન્વયે ૧૩માં હપ્તાનો લાભ લેવા માટે E-KYC ફરજિયાત

આગામી હપ્તો મેળવવા તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં આધાર લીંક અને આધાર સિડીંગ કરાવવું

અમરેલી:ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળના લાભાર્થી ખેડૂતોને રુ.૨,૦૦૦ એમ ત્રણ સમાન હપ્તા એટલે કે વાર્ષિક રુ.૬,૦૦૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે આપવામાં આવે છે. સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ E-KYC અને બેન્ક ખાતામાં આધાર સિડિંગ કરાવ્યું હોય તે જરુરી છે. હાલમાં પીએમ કિસાન યોજના અન્વયે ૧૩માં હપ્તાની રકમ ચૂકવવા અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.

  ખેડૂત લાભાર્થીઓ પોસ્ટ ઓફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્કમાં આધાર સિડિંગ સાથે કોઇ પણ પ્રકારનું ફોર્મ ભર્યા વિના બેન્ક ખાતુ ખોલાવી શકે છે. આ યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે. દરેક પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે લાભાર્થીનું આધાર કાર્ડ અને મોબાઇલ નંબર તેમજ વ્યક્તિની હાજરી જરુરી રહેશે. આ કામગીરી માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે તા. ૨૮/૦૨/૨૦૨૩ પૂર્વે જો આધાર લીંક અને આધાર સિડીંગ કરાવ્યું ન હોય તો તે લાભાર્થીને આગામી હપ્તો મળવાપાત્ર થશે નહિ.

આથી અમરેલી જિલ્લાના લાભાર્થીઓ કે જેમને આધાર લીંક અને આધાર સિડીંગ કરાવવવાનું બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા પોતાનું ઇ-કેવાયસી (E-KYC) અને બેંક ખાતામાં આધાર લીંક વહેલામાં વહેલી તકે કરાવવું. આ અંગેની વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો અથવા તાલુકા તંત્રના વિસ્તરણ અધિકારી, ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(12:30 am IST)