Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગોંડલના તમામ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, રોડ પરના દબાણો અને આડેધડ પાર્કિંગ જવાબદાર

પાલીકા અને પોલીસ તંત્ર આળસ છોડી અસર બતાવે તેવી લોકમાંગ:

ગોંડલ : શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. શહેરના બસસ્ટેન્ડ ચોક, ગુંદાળા રોડ, જેલચોક, પાંજરાપોળ, ગુંદાળા દરવાજા, સેન્ટ્રલ સિનેમા ચોક, ત્રણ ખૂણિયા સહિતના વિસ્તારોમાં રોજિંદા મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. ત્યારે સવારથી સાંજ સુધીમાં અનેકવાર આ મુખ્ય ચોક પર ટ્રાફિકજામ થવા પામે છે.નાના મોટા અકસ્માતો અહી રોજીંદી ઘટના છે.

શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો તેમજ શહેરના રસ્તાઓ પર દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે.

 નગરપાલિકા તંત્ર દ્વારા ફૂટપાથ પર બ્લોક ફિટ કરી આપવામાં આવ્યા છે.પરંતુ ફૂટપાથ પર વાહન પાર્કિંગના બદલે દુકાનદારો પોતાના વ્યવસાયની વસ્તુઓ ફૂટપાથ પર પાથરે છે. ફૂટપાથ પર મોટા ભાગના લોકોએ દબાણ કર્યું છે. આવા દબાણ સામે મ્યુનિ.ના તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.   રોડ પર આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ દ્વારા રાજમાર્ગો પર " સબભુમી ગોપાલ કી" માની પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાયદા નો ડંડો ઉગામવો જરુરી બન્યો છે.

 ટાઉનહોલ રોડ,કડીયા લાઇન,જેલ ચોક રોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ રોડ, સહિતના વિસ્તારોમાં ફૂટપાથ પર દુકાનદારો અડિંગો જમાવીને બેઠા છે.આ દબાણો તાકીદે દુર કરવા લોકમાંગ પ્રબળ બની છે.

(12:32 am IST)