Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મુન્દ્રામાં ભૂલા પડેલા પર પ્રાંતીય પ્રૌઢને મદદરૂપ બની માનવતા મહેકાવતી જન સેવા સંસ્થા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬

 મુન્દ્રા ના ખારવા ચોક મધ્યે બપોરના સમયે અંદાજે ૫૫ વર્ષના પ્રૌઢ મુંઝાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે સ્થાનિક સેવાભાવી સંસ્થા જન સેવાના રાજ સંઘવીને જાણ થતાં તેઓ આ પ્રૌઢની મદદે પહોંચી ગયા હતા. ત્યાં પહોંચી તેમને સાંત્વના આપી, ચા નાસ્તો કરાવી બાદ માં પૂછપરછ કરતા તેઓ મુન્દ્રા માં તેમના સંબંધી ને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ, સંબંધી ન મળતા તેઓ રસ્તો ભટકી જઈ ભૂલા પડી જતાં મૂંઝાઈ ગયા હતા. તેમની સાથેની વાતચીતમાં ગાંધીધામમાં સુંદરપુરી સ્થિત તેમના સંબંધી હોવાનું જણાવ્યું હતું. બાદ માં જન સેવા ના રાજ સંઘવી અને શહેર ના જય ભોલે ગ્રુપ ના રૂપેશ ઝાલા એ આધેડ ને મુન્દ્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.. ત્યાં મુન્દ્રા  પોલીસ મથક ના પીઆઈ હાર્દિક ત્રિવેદીએ એ પ્રૌઢની વધુ પૂછપરછ કરતાં તેમણે પોતાનું નામ કે શશીનારાયણ હોવાનું જણાવ્યું હતું અને મૂળ આંધ્રપ્રદેશના વતની અને હાલ ગાંધીધામ માં રહેતા હોવાનું જણાવ્યું હતું. સ્વસ્થ થયા બાદ આ પ્રૌઢએ પોતાને ઘેર ગાંધીધામ જવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેમને જન સેવા ના રાજ સંઘવી અને જય ભોલે ગ્રુપ ના રૂપેશ ઝાલા એ મુન્દ્રા કોડીનાર એસ ટી બસ માં બેસાડ્યા હતા. રસ્તો ભટકી ગયેલ આ પ્રૌઢ વ્યક્તિ સહીસલામત પોતાને શહેર અને ઘેર પહોંચે તે માટે મુન્દ્રા એસ ટી ડેપો મેનેજર વિશાલગર ગુંસાઈ એ એસ ટી ના કંડકટરને આ પ્રૌઢનો ખ્યાલ રાખવાની સૂચના આપી તેમને કાળજીપૂર્વક ગાંધીધામ ઉતારવા જણાવ્યું હતું. માનવતાના આ કાર્યમાં એસટી કર્મીઓ ઉપરાંત મુન્દ્રા પોલીસ મથક ના સંજય સિંહ જાડેજા, રવજી ભાઈ આહીર નો સહયોગ મળ્યો હતો. મુન્દ્રાના યુવા પત્રકાર રાજ સંઘવી જન સેવા સંસ્થા મારફતે અનેકવિધ સેવાકીય કાર્યો કરી માનવતાની મહેંક પ્રસરાવી રહ્યા છે.

(10:09 am IST)