Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દિકરી ભાગી ગયાનું સમજી પરિવારજનો સામાન બાંધી વતન જવા રવાના થયા ત્‍યારપછી દિકરીની લાશ કૂવામાંથી મળી

ગવરીદળમાં વાડીમાં મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના પરિવારની ૧૮ વર્ષની શુર્મિલા ઉર્ફ નનકીએ આપઘાત કર્યાની શક્‍યતા : પરિવારજનો હોળી આવતી હોઇ વતનમાં જવા તૈયાર થયા ત્‍યારે દિકરી બાજુની વાડીમાં સામાન લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થઇ હતીઃ અગાઉ એક દિકરી ભાગી ગઇ હોઇ આ પણ ભાગી ગઇ હશે તેમ સમજી સ્‍વજનો રવાના થયા હતાં: સરધાર પાસે પહોંચ્‍યા ત્‍યાં વાડી માલિકનો ફોન આવતાં બધા પાછા ફર્યાઃ નનકીના હોળી પછી લગ્ન થવાના હતાં

રાજકોટ તા. ૧૬: કુવાડવાના ગવરીદળમાં આવેલી નિતીનભાઇ પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના મજૂર પરિવાર સાથે કરૂણ ઘટના બની ગઇ હતી. પરિવારજનો હોળી આવી રહી હોઇ ગઇકાલે વતન જવા તૈયાર થયા હતાં. ભાડે વાહન બાંધી સામાન બાંધી લીધો હતો. એ દરમિયાન અઢાર વર્ષની દિકરી બાજુની વાડીમાં પોતાનો સામાન લેવા જવાનું કહીને નીકળ્‍યા બાદ પાછી ન આવતાં તેણી કોઇ સાથે ભાગી ગયાનું સમજી પિતા-માતા સહિતના પરિવારજનો સાંજે વતન જવા રવાના થઇ ગયા હતાં. સરધાર નજીક પહોંચ્‍યા ત્‍યારે વાડી માલિકે ફોન કરી ગૂમ થયેલી દિકરીની લાશ કૂવામાં હોવાનું કહેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી અને બધા પરત આવ્‍યા હતાં. બનાવ આપઘાતનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ મધ્‍યપ્રદેશના જસવંતસિંગ ભહીડા અને તેના પત્‍નિ તથા આઠ દિકરીઓનો પરિવાર ગવરીદળમાં નિતીનભાઇની વાડીમાં રહી મજૂરી કરે છે. આગામી સમયમાં હોળીનો તહેવાર આવવાનો હોઇ અને બીજા નંબરની દિકરી શુર્મિલા ઉર્ફ નનકી (ઉ.વ.૧૮)ના લગ્ન પણ કરવાના હોઇ ગઇકાલે આ પરિવારના લોકો વતનમાં જવા તૈયારી કરી રહ્યા હતાં. વાહન બોલાવી પોતાનો સામાન કેરીયર પર બાંધી લીધો હતો. એ દરમિયાન દિકરી શુર્મિલા ઉર્ફ નનકી અગાઉ બાજુની વાડીમાં પણ કામ કરતાં હોઇ ત્‍યાં પોતાનો થોડો સામાન પડયો છે તે લઇને આવે છે તેમ કહી નીકળ્‍યા બાદ લાંબા સમય સુધી પાછી ન આવતાં બાજુની વાડીએ તપાસ કરવા જતાં ત્‍યાં નનકી પહોંચી જ નહિ હોવાનું ખુલ્‍યું હતું.

આથી પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં અને દિકરીની શોધખોળ શરૂ કરી હતી પણ પત્તો મળ્‍યો નહોતો. પંદરેક દિવસ પહેલા જસવંતસિંગની સોળ વર્ષની એક દિકરી કોઇ છોકરા સાથે ભાગી ગઇ હોઇ હવે મોટી દિકરી શુર્મિલા ઉર્ફ નનકી પણ કોઇ ભેગી ભાગી ગઇ હશે તેમ સાંજે પરિવારજનો વતન જવા નીકળી ગયા હતાં. એ દરમિયાન સરધાર પાસે પહોંચ્‍યા ત્‍યારે વાડી માલિકે ફોન કરી નનકી ઉર્ફ શુર્મિલાની લાશ કૂવામાં હોવાની જાણ કરતાં બધા પરત ફર્યા હતાં.

કુવાડવા પોલીસને જાણ થતાં પીએસઆઇ એ. સી. વડવી, જયદિપભાઇ, રવિભાઇ સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો. પોલીસે નનકી ઉર્ફ શુર્મિલાને ફાયર બ્રિગેડની ટીમની મદદથી બહાર કઢાવી ૧૦૮ને જાણ કરતાં પાઇલોટ રવિભાઇ નિમાવત અને ઇએમટી ડો. ભાવેશભાઇ વાઢેર પહોંચ્‍યા હતાં. પણ નનકીનું મોત નિપજ્‍યાનું જણાયું હતું. તેના કપાળે, માથા અને હાથના ભાગે ઇજાના નિશાનો હતાં. કૂવા અંદરના પથ્‍થર અથવા પાણીની મોટર હોઇ તે લાગી ગયાની શંકા ઉપજી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું હતું. નનકી ઉર્ફ શુર્મિલાએ અગમ્‍ય કારણોસર આપઘાત કર્યાનું હાલ જણાયું છે. તેની સગાઇ થઇ ચુકી હતી અને હોળીના તહેવાર બાદ લગ્ન થવાના હતાં. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. વધુ તપાસ પીએસઆઇ જે. ડી. વસાવા કરે છે.

(11:30 am IST)