Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વઢવાણ : કચ્‍છના નાના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને કનડગત

૪૦૦ અગરિયા પરિવારો દ્વારા આવેદનપત્ર અપાયું

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૧૬ : કચ્‍છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવી રોજગારી મેળવતા આડેસર અને સાંતલપુર વિસ્‍તારના અગરિયા પરિવારોએ આજે ભુજ કલેક્‍ટર કચેરીએ આવી વન વિભાગ દ્વારા અભયારણ્‍યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર આપી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ વેળાએ અંદાજિત ૪૦૦ જેટલા અગરિયાઓ દ્વારા બોર્ડ પર અગરિયા બચાવોના સૂત્રો લખી તંત્રનું ધ્‍યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

ભુજ કલેક્‍ટર કચેરીએ રજૂઆત માટે આવેલા કચ્‍છના રાપર તાલુકાના આડેસર અને પાટણના સાંતલપુર વિસ્‍તારના અગરિયા લોકો વન વિભાગની કામગીરી સામે ભેદભાવના આરોપ સાથે નારાજગી દર્શાવી હતી. અગરિયા લોકોએ સમાંહર્તાને આલેખી પદાધિકારીઓના બિડાણા સાથેનું આવેદનપત્ર આપ્‍યું હતું. આડેસર અને અગરિયા હિત રક્ષક મંડળના પત્રમાં દર્શાવ્‍યા મુજબ અગરિયા પરિવારો પરંપરાગત રીતે વર્ષોથી રણ વિસ્‍તારમાં મીઠું પકવી આજીવિકા રળી ગુજરાન ચલાવે છે. પરંતુ હાલમાં વન વિભાગ દ્વારા નાના પાયે રોજગારી મેળવતા અગરિયાઓના સરકાર દ્વારા મળેલા સોલાર સિસ્‍ટમ અને સાધન સામગ્રી તોડી જપ્ત કરી જવાયા છે. અનેક મોટા એકમોના બદલે અગરિયાઓને કનડગત કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે વન વિભાગને યોગ્‍ય સૂચના આપી મીઠું પકવવાની કામગીરી ચાલુ રહે એવી રજૂઆત કરાઈ હતી.

(12:09 pm IST)