Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ખંભાળીયામાં મહાશિવરાત્રીના ખામનાથ મહાદેવ ટ્રસ્‍ટ દ્વારા ભવ્‍ય શિવ વરણાંગીનું આયોજન

ર૦૦ કિલો ચાંદીના શીવ પાર્વતી ગણેશની પ્રાચીન પ્રતિમા ખુલ્લા પગે બ્રાહ્મણો ઉપાડે છે...!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ :.. મહા શિવરાત્રીના રોજ વર્ષોથી ખંભાળીયામાં ખામનાથ મહાદેવ ટ્રસ્‍ટ દ્વારા ચાંદીની ૧૦૦ કિલો વજનની પ્રાચીન શીવ, પાર્વતી તથા ગણેશની મૂર્તિ સાથે ચાંદીની પાલખી અને ચાંદીની પ્રાચીન ભવ્‍ય પ્રતિમાને બ્રાહ્મણો ઉપાડીને શહેરમાં શીવ વરણાંગી કાઢે છે જે ૧૦૦ થી વધુ વર્ષોની પરંપરા આ વર્ષે પણ શનિવાર તા. ૧૮ ના ચાલુ રહેશે.

અહીંના રંગ મહેલ શાળા પાસે વિદ્વાન ભુદેવો દ્વારા મંત્રોચ્‍ચાર તથા શણગાર સાથે આ શીવ વરણાંગી નીકળીને શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરીને બપોરે ખામનાથ મહાદેવ મંદિરે પહોંચે છે. જયાં આ શિવ શોભાયાત્રા પૂર્ણ થાય છે.

આ શિવ વરણાંગી ૧૦૦ થી વધુ વર્ષોથી નિકળે છે અતિ વજનદાર આ શીવ વરણાગીને માત્ર બ્રાહ્મણો જ ઉપાડે છે તથા તે પણ ધોતી કે પિતાંબરી પહેરીને ઉઘાડા પગે પગમાં ચપ્‍પલ કે બૂટ કંઇ પહેર્યા વગર તડકામાં પણ આ શીવની વરણાંગીને હર હર મહાદેવના નારા સાથે ફેરવે છે જે શીવ શોભાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત ઠેરઠેર થાય છે. ઢોલ નગારા શરણાઇ ડી.જે. પાર્ટી સાથે અનેક યુવક મંડળો, વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો વિવિધ બ્રહ્મ સમાજના લોકો પણ જોડાય છે. ખામનાથ ટ્રસ્‍ટના ધ્રુવભાઇ, મનુભાઇ સોમૈયા, ભરતભાઇ મોટાણી, ભરતભાઇ દવે, અમિતભાઇ વ્‍યાસ, હિતેન્‍દ્રભાઇ આચાર્ય વિ. પણ આ આયોજનમાં જોડાયા હતા તો વર્ષો પહેલાથી આ ભવ્‍ય શોભાયાત્રા શીવ વરણાંગી ખંભાળીયા તથા આસપાસના વિસ્‍તારોમાં પ્રસિધ્‍ધ છે તથા અહીંથી ગુજરાતના અન્‍ય પ્રદેશોમાં શીવ શોભાયાત્રા પ્રચલિત થઇ હતી.

(2:00 pm IST)