Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સોમનાથ ટ્રસ્ટ દ્વારા 26.05 લાખ લિટર સુએઝનું પાણી વપરાશ યોગ્ય બનાવાયું

સોમનાથ ટ્રસ્ટના તમામ અતિથિગૃહ, યાત્રી સુવિધા ભવન, ચોપાટી,પાર્કિંગ સહિત પોતાના હસ્તકના તમામ ભવનોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગત જાન્યુઆરી માસમાં 26.05 લાખ લિટર સુએઝનું પાણી વપરાશ યોગ્ય બનાવાયું છે. સોમનાથ મંદીર પરિસર અને બગીચાને આ પાણી નંદનવન બનાવી રહ્યું છે.દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ મોદીના પર્યાવરણ લક્ષી અભિગમથી સોમનાથ ટ્રસ્ટે જળસંચયના નવા માનાંકો સ્થાપિત કર્યા છે.

  સોમનાથ ટ્રસ્ટ ન માત્ર 26.05 લાખ લિટર દૂષિત પાણી શુદ્ધ કર્યું પરંતુ તેને વૃક્ષ સંવર્ધનની દિશામાં વાપરી પર્યાવરણ પ્રેમ દર્શાવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના તમામ અતિથિગૃહ, યાત્રી સુવિધા ભવન, ચોપાટી,પાર્કિંગ સહિત પોતાના હસ્તકના તમામ ભવનોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા છે. જેના થકી પ્રતિમાસ 25 લાખ લીટરથી વધુ પાણી શુદ્ધ કરી તેનો બાગબગીચામાં પિયતમાં ઉપયોગ કરવામાં આવે છે.

 જાન્યુઆરી માસમાં સોમનાથ ટ્રસ્ટના તમામ ભવનો, ચોપાટી, પાર્કિંગ સહિતમાં નીકળેલ સુએજનું 26.05 લાખ લીટર પાણી ઉપયોગ યોગ્ય બનાવવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી અતિથિ ભવન માંથી 6.78 લાખ લીટર, રામ મંદિર ખાતેથી 23 હજાર લિટર, સાગર દર્શન ભવન ખાતેથી 7.84 લાખ લિટર, યાત્રી સુવિધા કેન્દ્રમાંથી 4.01 લાખ લીટર, ચોપાટી ખાતેથી 2.11 લાખ લિટર, ટ્રસ્ટના વિશાળ યાત્રી પાર્કિંગમાંથી 5.08 લાખ લિટર પાણી મળીને કુલ 26.05 લાખ લીટર પાણી ઉપયોગ યોગ્ય બનાવવામાં આવ્યું હતું. આ પાણી સોમનાથ ટ્રસ્ટના બાગ બગીચા અને અન્ય વૃક્ષારોપણ કરેલ જગ્યાઓ પર પિયત સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

 ત્યારે સોમનાથ ટ્રસ્ટ પોતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ન માત્ર નજીકના જળાશયો અને સમુદ્રમાં દૂષિત પાણી જતા અટકાવે છે પરંતુ વૃક્ષારોપણ અને તેને આ પાણી શુદ્ધિકરણ કરીને પિયત કરવાથી વિસ્તારને વધુ હરિત પણ બનાવે છે.

(11:30 pm IST)