Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રફાળેશ્વર મંદિરે કાલે શુક્રવારે સાંજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ.

25થી વધુ ફજેત અને ભજનની રાવટીઓ ધમધમવાની હોય લોકો ભજન, ભોજન અને આંનદના ત્રિવેણી સંગમની મજા માણશે.

મોરબી નજીક આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામ્બુડિયા ગ્રામ પંચાયત દ્વારા બમ બમ ભોલેના નાદ સાથે પવિત્ર મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રફાળેશ્વર મંદિરે આવતીકાલે તા.17ને શુકવારે સાંજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે.
રફાળેશ્વર મંદિરે તા.18ને મહાશિવરાત્રીએ ચિક્કાર મેદની સાથે પૌરાણિક મેળો ભરાશે. જ્યારે તા.17ની સાંજે રફાળેશ્વર મંદિરે મેળાની શરૂઆત થયા બાદ રાતભર ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. સાથેસાથે ઠેરઠેર ભોજન, સંતવાણી અને મેળો એમ લોકો ત્રિવેણી સંગમનો આનંદ માણશે. બીજા દિવસે એટલે મહાશિવરાત્રીએ રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે.આ ઉપરાંત ધર્મશાળા પાછળ આવેલ મહાદેવના મંદિરનો જીણોદ્ધાર પણ કરાશે. રફાળેશ્વર મંદિરે દોઢ દિવસ સુધી લોકો મહાશિવરાત્રીનો મેળો માણશે તેમજ ભાગનો પ્રસાદ લઈ ભગવાન ભોળાનાથના દર્શનનો લહાવો લેશે. મહાશિવરાત્રીને લઈને રફાળેશ્વર મંદિરે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ મહાશિવરાત્રીના મેળામાં મોરબી ઉપરાંત આસપાસ અને સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડી મેળાની મોજ માણવાની સાથે ભગવાન શિવના દર્શન કરી કૃતાર્થ થશે

(11:34 pm IST)