Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કવિઓ ભુજ દ્વારા રવિવારે સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોનો નિ:શુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પ

અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં મેડિકલ કેમ્પ, જરૂરિયાત ધરાવતા દર્દીઓને અમદાવાદની કે.ડી. હોસ્પિટલ દ્વારા રાહતદરે ઓપરેશન કરી અપાશે

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬

શ્રી કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાની પુણ્ય સ્મૃતિમાં તા.૧૯/૬, રવિવારે ફેફસા, લીવર, આંતરડા, મગજ, કરોડરજજુ, કિડની, વધુ વજન ધરાવનારા માટે બેરીયાટ્રીક અને ઘૂંટણ માટે જોઇન્ટ રિપ્લેસમેન્ટનો નિ:શુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પ યોજાશે. પ્રમુખ જીગરભાઈ છેડાના જણાવ્યાનુસાર કવિઓ ભુજના પ્રેરણાસ્ત્રોત અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાએ કંડારેલા મહાજન પરંપરાના પથને અનુસરી તેમણે ચીંધેલા રાહ ઉપર સંસ્થાના વિવિધ સેવાકીય કાર્યો આગળ વધી રહ્યા છે. આ કેમ્પને રવિવારે સવારે ૯ વાગ્યે સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકશે. જ્યારે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અતિથિ વિશેષ નગરપતિ ઘનશ્યામભાઈ ઠકકર, કચ્છ ભાજપના મહામંત્રી શીતલભાઈ શાહ, ભુજ સાત સંઘના પ્રમુખ સ્મિતભાઇ ઝવેરી, ભુજ પાલિકાના ઉપ પ્રમુખ રેશ્માબેન ઝવેરી ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં અમદાવાદની જાણીતી કે.ડી. હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ટીમના જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ડો. ચિરાગ પટેલ, નેફ્રોલોજિસ્ટ ડો. જય પટેલ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. કાર્તિક દેસાઈ, ન્યુરોલોજિસ્ટ ડો. ઋષભ શાહ, પલ્મેનોલોજીસ્ટ ડો. તુષાર પટેલ, યુરોલોજીસ્ટ ડો. દર્શિલ શાહ, બેરીયાટ્રીક કાઉન્સેલર ડો. અંગદ શેઠ પોતાની સેવાઓ આપશે. પ્રમુખ જીગરભાઈ છેડાએ સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના આ નિ:શુલ્ક મેગા મેડિકલ નિદાન કેમ્પનો લાભ લેવા સૌને અનુરોધ કરતાં જણાવ્યું છે કે, અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાની પુણ્ય સ્મૃતિમાં સંસ્થા દ્વારા સતત વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. કેમ્પમાં આવનાર દર્દીઓને પોતાના તમામ જુના મેડિકલ રિપોર્ટ સાથે લાવવા જણાવાયું છે. કેમ્પમાં નિ:શુલ્ક નિદાન બાદ સર્જરી માટેના દર્દીઓને કે.ડી. હોસ્પિટલ અમદાવાદ દ્વારા રાહતદરે ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ, જૈન સંઘ, યુવા પાંખ, સખીવૃંદના સદસ્યો અને કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી કવિઓ જૈન મહાજન વિવિઘલક્ષી સંકુલ, અમરસન્સ ભવન, જીઈબી સામે, ભુજ મધ્યે રવિવાર ૧૯/૬ ના સવારે ૯ વાગ્યે કેમ્પનો પ્રારંભ થશે. દર્દીઓને પોતાના નામ લખાવવા સંસ્થાના કાર્યાલયમાં રૂબરૂ અથવા ફોન નં. ૯૦૯૯૬૪૬૦૬૭, ૯૭૨૬૨૫૫૩૧૮, ૦૨૮૩૨ ૨૨૩૮૨૧ ઉપર લખાવવા જણાવાયું છે.

(10:03 am IST)