Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રવિવારે જુનાગઢ જિલ્લાની ૩૩૮ ગ્રામ પંચાયત માટે મતદાનઃ ૧૬૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ

કુલ ૭૮૭ મતદાન મથકો ખાતે કુલ પ,૮૧,૩૧૧ મતદારો મત આપશે

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૬ : આગામી રવિવારે જુનાગઢ જિલ્લાની ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ પ,૮૧,૩૧૧ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

ગ્રામ પંચાયતોની ચુંટણીનાં મતદાનને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં ૪૩૦ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર થઇ હતી. જેમાં ૪૧ર ગ્રામ પંચાયતમાં સામાન્ય અને ૧૮માં પેટા ચુંટણી યોજાનાર છે. તે પુર્વે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ૬ર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં હવે ૧૯ ડિસેમ્બરે ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન થશે.

જિલ્લાના ૯ તાલુકામાં ૭૮૭ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાંથી ર૬પ મતદાન મથકો સંવેદન અને ૧૬૪ અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે.

જયારે ૧ર૦ ચુંટણી અધિકારી સાથે પ૧૪૪ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. મતદાન માટે ૧૧.૬ર લાખ મતદાન પત્ર છાપવામાં આવશે.

જિલ્લામાં ૩૩૮ ગ્રામ પંચાયતમાં ૩૩૩  સરપંચો તેમજ ૧૮૮ર વોર્ડમાં ચુંટણી જંગ જામશે.

આવતીકાલે સાંજના પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ જશે. બાદમાં ઉમેદવારો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ જુનાગઢ જિલ્લાનાં ૯ તાલુકામાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન શાંત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવવામાં આવશે.

(12:43 pm IST)