Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મુદે કલેકટરને આવેદન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૬: ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર સરકાર શ્રી દ્વારા સમયાંતરે પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ થાય છે, આ પરીક્ષાઓ સાથે ગુજરાતના આશરે ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે ત્યારે આ પરીક્ષામાં પારદર્શકતા જળવાઈ એ ખૂબ જરૂરી છે.

તાજેતરમાં તારીખ ૧૨/૧૨/ ૨૦૨૧ ના રોજ લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષા ની માફક પેપર લીક થયું હતું. હિંમતનગરના એક ફાર્મ હાઉસમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા, કચ્છ વગેરે સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું. પેપર લીક થવાની આ પરંપરાથી ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થઇ રહ્યો છે. હજારો રૂપિયા કલાસીસમાં ખર્ચીને અને પોતાનો અમૂલ્ય સમય બગાડીને પોતાનુ ઉજવળ ભવિષ્ય માટે મથી રહેલા ગાંધીજી અને સરદારના ગુજરાતમાં વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે એક જબરો માનસિક આદ્યાત અનુભવે છે. આ એક પ્રકારની હિંસા જ કહી શકાય...

હિંમતનગરમાં બનેલી આ ઘટના અને આધારો સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે દોષિતો સામે કાર્યવાહી થાય અને અન્ય લોકોને બોધપાઠ મળી રહે તેવી રીતે સરકાર દ્વારા આ લોકો સામે કાર્યવાહી થાય. દોષિતોને પરીક્ષા માંથી બાકાત કરવામાં આવે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે યોગ્ય કાર્યવાહી થાય. તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાઈ તેવા પ્રકારે આયોજન થાય તેવુ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. તાજેતરની પેપર લીકની ઘટનાને જો ગંભીરતાથી નહીં લેવાય અને વિદ્યાર્થીઓ ને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓએ તૈયારી છોડી મેદાનમાં આવવાની ફરજ પડશે. જેની નોંધ લઇ આપ સાહેબ આ અંગે અમારી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની વેદના સમજી હાલની સરકાર અને તંત્ર ને આ ઘટના પર અને ભવિષ્યની પરીક્ષાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરાવવા વિનંતી કરી હતી.

(12:45 pm IST)