Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બાબરાના સુખપુરમાં પશુબલી ચડે તે પહેલા જાથા ત્રાટકી : ૬ પશુને બચાવાયા

ભુવાને વંડી ઠેકી ભાગવુ પડયુ : વાળા પરિવારે પશુબલીને કાયમી તિલાંજલીની કબુલાત કરતા મામલો થાળે : બોકડા અને ઘેટાને પાંજરાપોળમાં મોકલી દેવાયા

રાજકોટ તા. ૧૭ : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામે માતાજીના કર ઉતારવાના પ્રસંગે માંડવાના આયોજનની સાથે ૬ પશુની બલી ચડાવવા તૈયારી આદરવામાં આવી હોવાની જાણકારી વિજ્ઞાન જાથાને મળતા તુરંત બાબરા પોલીસને સાથે રાખી પર્દાફાશની તૈયારી કરાઇ હતી.

જાથાની યાદીમાં જણાવ્યા મુજબ પોલીસ સાથે જાથાની ટીમ સુખપુર ગામના મેલડી માતાજીના સ્થાનકે પહોંચી ત્યારે વાળા પરિવાર દ્વારા કર ઉતરાવવા નિમિતે માતાજીના માંડવાનું અને બલી ચડાવવાનું આયોજન કર્યુ હોવાનું માલુમ પડયુ હતુ.  જો કે જાથાની ટીમ પહોંચતા જ બધુ રફે દફે થઇ ગયુ હતુ. એક ભુવા તકનો લાભ લઇ વંડી ઠેકીને નાસી જવામાં સફળ રહ્યા હતા. તુરંત પોલીસે બે ભાગમાં વહેંચાઇ જઇ અન્યને ભાગતા અટકાવી લીધા હતા.

પરિસ્થિતી પામી જઇ આયોજન કરનાર વાળા પરિવારે કાયમી પશુબલીને તિલાંજલીની કબુલાત આપતા મામલો થાળે પાડી દેવાયો હતો. જાથાની સમયસર એન્ટ્રીથી ૩ બોકડા અને ૩ ઘેટાને જીવતદાન મળી જતા તેને પાંજરાપોળમાં મોકલી અપાયા હતા. આ કામગીરીમાં પોલીસે દાખવેલ સતર્કતા બદલ જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (૯૮૨૫૨ ૧૬૬૮૯) એ આભારની લાગણી વ્યકત કરી છે.

(11:41 am IST)