Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઉનાના ગુપ્ત પ્રયાગમાં વિશ્વ કલ્યાણ અને સર્વ જીવ માત્રના કલ્યાણ માટે ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૭ :.. પ્રાચિન તિર્થધામ ગુપ્ત પ્રયાગમાં વિશ્વ કલ્યાણ અને જીવ માત્રનાં કલ્યાણ માટે ચાલી રહેલ નવમો અગીયાર દિવસનો ગાયત્રી મહાયજ્ઞમાં લાભ લેતા ભકતજનો.

બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડા પ્રેરિત અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ સંતશ્રી પ.પૂ. મુકતાનંદજીબાપુનાં શુભ સંકલ્પ અને પ્રેરણાથી નવમો ૧૧ દિવસનો વિશ્વ કલ્યાણ જીવ માત્રનાં શાંમિ માટે ઉનાથી ૭ કિ. મી. દુર પ્રાચીન અને પૌરાણિક ગુપ્ત પ્રયાગની પવિત્ર તિર્થ ભૂમિમાં ગાયત્રી મહાયજ્ઞ ચાલી રહયો છે. જેમાં દરરોજ પાંચ યજમાન દંપતિઓ બિરાજી વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કુંડમાં ઔષધી યુકત સમિધ અને ગાયનાં ઘીની આહુતિ આપી વાતાવરણ પવિત્રી અને રોગ મુકત કરવામાં આવે છે.

સંતશ્રી મુકતાનંદબાપુએ જણાવેલ કે સનાતન ધર્મ ને ટકાવી રાખવા ત્થા હાલ પૃથ્વી ઉપર જે મોટા ફેરફારો વાવાઝોડુ, અતિ વરસાદ, વાયરસથી માનવી રોગીષ્ટ થતો જાય છે. તેના નિવારણ શુધ્ધ વાતાવરણ કરવા તેમણે સમગ્ર ભારતભરમાં ૧ર ગાયત્રી મહાયજ્ઞનો શુભ સંકલ્પ લીધો હતો.

અત્યાર સુધીમાં બીલનાથ મહાદેવ જુનાગઢ, રાઉતેશ્વર મહાદેવ (બીલખા), દ્વારકા, બ્રહ્માનંદ આશ્રમ ચાંપરડા, અગ્ની અખાડા સ્થળ જુનાગઢ, ગૌ મુખી ગંગા સ્થાન ગીરનાર, ડેડાણ ગૌશાળા, કચ્છમાં અધોઇ ગામે આશ્રમ હાલ ગુપ્ત પ્રયાગ અને હવે પછી ઉજજૈન વિગેરે ધર્મ સ્થળો ઉપર આ મહાયજ્ઞ યોજાશે.

ભારતમાં વૈદિક સંસ્કૃતિ ટકાવી રાખવી સાધુ-સંતોની ફરજ છે. તેમજ કોઇપણ છેવાડાનો બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે ગીર સેન્ચ્યુરી મધ્યગીર જંગલનાં રપ નસેડાઓમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે શાળાના ઓરડા બાંધવા બિડુ ઝડપ્યુ છે. હાલ ૧૩ નેસડા ઓમાં શાળાનાં ઓરડાનું બાંધકામ પુર્ણ થયું છે. આગામી દિવસોમાં ગુપ્ત પ્રયાગમાં ૩ શિખર બંધ મંદિરો ત્રણે ઘાટનો જીર્ણોધ્ધાર વિશાળ ભોજનાલય ત્થા યાત્રીકો માટે રહેવા માટે સુવિધા યુકત યાત્રીક વિશ્રામ ગૃહ બનાવવાનો સંકલ્પ છે.

સવારે ૮-૩૦ થી ૧ર તથા બપોરે ૩-૩૦ થી ૬-૩૦ યજ્ઞનું કાર્ય સાંજે દિપ માળા બપોરે રાત્રે મહાપ્રસાદ યોજાય રહ્યો છે.

આ કાર્યને સફળ બનાવવા ગુપ્ત પ્રયાગનાં મહંત શ્રી વિવેકાનંદબાપુ, ગુપ્ત પ્રયાગ વ્યવસ્થાપક કમિટીનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. યજ્ઞની પુર્ણાહૂતિ બિડાહોમ તા. ૧૯ બુધવારે કરાશે. દરેક ભકતોને સરકારી ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરી સામાજીક અંતર રાખી દર્શનનો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

(11:43 am IST)