Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

દ્વારકાધીશ મંદિરને ઓચિંતુ બંધ કરવાના તંત્રના નિર્ણય સામે ભાવિકોમાં રોષની લાગણી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૭ : દ્વારકાધીશ મંદિરને આજે પોષ માસની પુનમના દિનથી જ બંધ કરવાના વહીવટી તંત્રના આદેશથી હજારો ભકતોની લાગણી દુભાવવામાં આવી છે. અને ભારે આક્રોશ સાથે દ્વારકાધીશજીના ભાવિક ભકતોએ વહીવટીતંત્રના આદેશથી ટીકા કરી છે.

આજે પુનમના દિને ખાસ કરીને દ્વારકાધીશના દર્શન કરવા માટે આવનારા સંખ્યાબંધ ભકતો આજે મંદિર બંધ હોવાના સમાચારને કારણે રસ્તે રઝળી પડયા છે અને કેટલાક ભકત પરિવારો આગલા દિવસે આવી પહોંચ્યા હોય તેઓને પુનમના દર્શન વગર પરત ફરવુ પડશે જે ભકતોએ પણ સતત નારાજગી વ્યકત કરી છે. આમ જોઇએ તો ભકતગણના કહેવા પ્રમાણે જો મંદિર બંધ રાખવાનું હોય તો ચાર દિવસ પહેલા પણ જાહેરાત કરી શકાય હોય પરંતુ વહીવટીતંત્રએ તેમનો અણધણ ઓચિંતો નિર્ણય લઇને મંદિર બંધ કરવાની જાહેરાત કરી છે તેનાથી ભાવિકોને ભકિત શ્રધ્ધાની મોટી ઠેસ પહોંચી છે.

ખાસ કરીને જગત મંદિરમાં ધ્વજારોહણ માટે અગાઉથી કાર્યક્રમો નકકી થયા હોય છે અને સંખ્યાપણ નકકી હોય છે. ઉપરાંત દ્વારકાધામમાં હોટલ કેટરીંગ વગેરેની પણ વ્યવસ્થા ધ્વજાજી મનોરથીએ અગાઉથી કરી લીધી હોય છે. જે મનોરથીઓ તો મંદિર બંધ થવાના આદેશથી ખુબ જ પરેશાન થઇ ગયા છે. બીજી તરફ જોયે તો પુનમના દિને હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન અર્થે આવતા હોય જેમની વ્યવસ્થાના ભાગરૂપે દ્વરકાના હોટેલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યાપારીઓ અગાઉથી તૈયારીઓ કરેલી હોય તેને પણ મોટુ નુકસાન થયુ છે.દ્વારકાધીશ મંદિર પાસે પ્રસાદનું વેચાણકર્તા મધ્યમકક્ષાના વેપારીઓએ દ્વારકાધીશજીને પ્રસાદ અર્પણ કરવા માટે મોટા જથ્થામાં તૈયાર કરી રાખ્યુ હોય તેવા વ્યાપારીઓને પણ મોટુ આર્થિક નુકસાન ગયુ છે. આમ એકંદરે વહીવટીતંત્રના નિર્ણયથી ખુબ જ નારાજગી  જોવા મળી છે.

(12:12 pm IST)