Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસના વધારાથી ભારે ચિંતા

ગોંડલ સિવિલ હોસ્પીટલમાં નર્સીંગ સ્ટાફના પ ને કોરોના : કચ્છમાં ર દિ'માં ર૪૦, ભાવનગરમાં ૩૭૬, મોરબી-૯૦, ગોંડલમાં એક સપ્તાહમાં ૧પ૦ કેસ

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસ સતત વધતા ચિંતા પ્રસરી ગઇ છે. અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.

કચ્છમાં ર દિવસમાં ર૪૦ કેસ, ભાવનગરમાં ૩૭૬, મોરબીમાં ૯૦  તથા ગોંડલમાં એક સપ્તાહમાં ૧પ૦ કેસ નોંધાયા છે.

ગોંડલની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના પ વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના એ ફફડાટ ફેલાયો છે. ત્રીજી લહેર દરમિયાન શહેરમાં પ્રથમ વખત કોરોના થી બે દર્દીઓના મોત નીપજયા છે. શહેરના ડેરી ડેરી રોડ કૃષ્ણનગરમાં રહેતા ૬૫ વર્ષના પુરુષ અને કુંભારવાડા માં રહેતી ૫૨ વર્ષની મહિલાનું કોરોના થી મોત નિપજયું છે. ભાવનગર શહેરમાં ૩૨૨ કેસ અને ભાવનગર ગ્રામ્ય માં ૫૪ પોઝિટિવ કેસ સહિત કુલ ૩૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે ભાવનગર શહેરમાં ૬૫ દર્દીઓ અને ભાવનગર ગ્રામ્યમાંમાં ૧૧ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૭૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

હવે ભાવનગર જિલ્લામાં કોરોના થી કુલ મૃત્યુઆંક વધીને ૩૦૩ થયો છે જયારે કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા વધીને ૧૬૬૦ થવા પામી છે. કોરોના ના આંકડા દિનપ્રતિદિન વધતા જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :  છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે. સતત ૧૦૦ થી વધુ આવતાં નવા કેસો વચ્ચે ભુજ હોટ સ્પોટ બન્યું છે. શનિ અને રવિવારે બે દિવસ દરમ્યાન ૮૭ અને ૧૫૭ સાથે કુલ ૨૪૦ કેસ નોંધાયા છે. તેમાંયે બે દિવસમાં નવા ૬૧ કેસ અને અગાઉના કેસોમાં પણ ભુજમાં કેસો વધુ નોંધાયા હોઈ ભુજ હોટ સ્પોટ બનતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભુજ શહેરમાં ૬૩ ટીમ ઉતારી ડોર ટુ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. કચ્છમાં અત્યાર સુધી એકિટવ પોઝિટિવ કેસ ૬૯૫ થયા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીઃ તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધ્યું, જિલ્લામાં ૨૯ દર્દીઓ સાજા થયા

મોરબી જિલ્લામાં રવિવારે નવા ૯૦ કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં ૫૮ કેસ નોંધાયા છે. જો કે મકરસંક્રાંતિના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં ૨૯ દર્દીઓ સાજા પણ થયા છે.

મોરબી જિલ્લામાં રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા ૯૨૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૯૦ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં ૫૮ કેસ, મોરબી ગ્રામ્યમાં ૨૨, વાંકાનેર શહેરમાં ૩, વાંકાનેર ગ્રામ્યમાં ૪ કેસ, હળવદ ગ્રામ્યમાં ૧, ટંકારા ગ્રામ્યમાં ૨ કેસ નોંધાયા છે. જયારે માળિયા તાલુકામાં એકપણ કેસ નોંધાતા રાહત થઈ છે.

વધુમાં રવિવારે મોરબી જિલ્લામાં કુલ ૨૯ દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી ૨૬, વાંકાનેર તાલુકામાંથી ૨ અને હળવદ તાલુકામાંથી ૧ દર્દી સાજા થયા છે. કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૧૯૪ કેસ નોંધાયા છે. આજ દિવસ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૬૩૬૧ છે. હાલ જિલ્લામાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા ૪૯૨ છે.

ગોંડલ

ગોંડલ : ગોંડલમાં કોરોના ધીમે ધીમે વિકરાળ રુપ ધારણ કરી રહ્યો હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં દોઢસો જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે.આજે શહેર અને ગ્રામ્ય મળી ૨૨ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે.

(12:16 pm IST)