Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પૂ.લાલબાપુ કઠિન સાધનાની પ્રસાદીનો સમાજના સર્વ કલ્યાણ માટે સદ્દઉપયોગ કરી રહયા છેઃ પ્રદિપસિંહ જાડેજા

રાજકોટઃ પૂજય સંત શ્રી લાલબાપુના દર્શનનો લાભ દીકરીઓની લગ્નની ઉંમર વધારવા માટેની કેન્દ્ર સરકારની અગત્યની ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય, અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર અને એલ.જી.એએમસી મેટ મેડિકલ કોલેજના ડીન ડો.દિપ્તીબેન શાહે લીધો હતો.

પૂ.સંત શ્રી લાલબાપુના તબિયતના ખબર પૂછવા પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ પણ સત્સંગનો લાભ મેળવ્યો હતો.

તેઓએ ટ્વીટ કરી કહયું કે ઉપલેટા પાસે આવેલ ગધેથડ ગાયત્રી આશ્રમ સ્થિત પરમ પૂજય લોકસંતશ્રી લાલબાપુ જેઓ ભજન, ભોજન અને સેવાનો ભેખ લઈને પાંચ દાયકાથી સાધના કરી રહયા છે. સરળતા, ત્યાગ અને કરૂણાથી સભર મહાત્માની તબિયતની ખબર પૂછી સત્સંગનો અવસર મળ્યો. પૂજય શ્રી લાલબાપુ તેમની કઠિન સાધનાની પ્રસાદીનો સમાજના સર્વ કલ્યાણ માટે સદુપયોગ કરી રહયા છે. જીવહિંસા રોકવા અને વ્યસનમુકિત માટે વ્યાપક સ્તરે કાર્ય કરે છે. ભારતીય અધ્યાત્મની સનાતન ધારાને અને સવિશેષ સૌરાષ્ટ્રની સંત પરંપરાને યથાર્થ સ્વરૂપમાં સમાજ સુધી પ્રવાહિત કરતા અર્વાચીન ઋષિ પૂજય શ્રી લાલબાપુને વંદન.

(12:46 pm IST)