Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જસદણના સોજીત્રા પેટ્રોલ પંપે બે યુવાનો દ્વારા સંચાલકનાં પુત્રને માર મારતા પોલીસ ફરીયાદ

પોલીસે જસદણના દિનેશ રાજગોર અને સંજય બોરીચાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યુઃ વેપારી આલમમાં ભારે રોષઃ પેટ્રોલ પંપ સંચાલકોએ કડક કાર્યવાહીની માંગ કરી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૭ :.. જસદણ બાયપાસ રોડ ઉપર આવેલા સોજીત્રા પેટ્રોલ પંપ ઉપર બોલાચાલી બાદ ઉશ્કેરાઇને જસદણના બે યુવાનોએ પેટ્રોલ પંપનાં માલિકના પુત્રને ગાળો આપી ફડાકા મારી ધમકી આપતા પોલીસ ફરીયાદ બાદ પોલીસે બંને યુવાનોની ધરપકડ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણ બાયપાસ રોડ ઉપર આવેલ સોજીત્રા પેટ્રોલ પંપે બે દિવસ પહેલા જસદણના જ રહેવાસી દિનેશ રાજગોર અને બીજો અજાણ્યો શખ્શ પેટ્રોલ પુરાવા માટે આવ્યા હતાં. પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે સંચાલકના પુત્ર અશ્વિન મુન્નાભાઇ સોજીત્રા પાસે મુન્ના સોજીત્રાનો મો. નં. માંગ્યો હતો.

મુન્નાભાઇને ફોન કરતા તેઓ કામમાં હશે તો મોબાઇલ ન ઉપાડતાં બંને મારા પિતાને બે ફામ ગાળો આપવા લાગ્યા હતાં.

ગાળો દેવાની ના પાડતા એકટીવા ચાલક દિનેશ રાજગોર થપ્પડ મારી ઝપા-ઝપી કરવા લાગતા અશ્વિનનાં દાદા શંભુભાઇ વચ્ચે પડતા દાદા સાથે પણ ઝપા-ઝપી કરી ગાળો આપવા લાગતા પંપના કારીગરો વચ્ચે પડતા જતા રહ્યા હતા અને જતા-જતા કહેતા ગયા કે અહીં પેટ્રોલ પંપ ચલાવવો છે ને તેવુ કહી મુન્ના સોજીત્રાને કહેજે ફોન કરે નહીતર મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતાં.

આ બનાવનાં ઘેરા પડઘા પડયા છે અને જસદણમાં દિન દહાડે આવી લુખ્ખાગીરી અને દાદાગીરીથી વેપારી આલમમાં ભારે રોષ ફેલાય ગયો છે.

પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાનજ કરાવ્યું છે.

આ અંગે જસદણ તાલુકા પેટ્રોલ પંપ એસોસીએશને પણ વિરોધ દર્શાવી આરોપી સામે કડક પગલા ભરવા માંગણી કરી છે.

(12:47 pm IST)