Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

રાજ્યના પ્રવાસન વિભાગના એમ.ડી. પાંડે દ્વારકાની મુલાકાતે

ખંભાળીયા,તા.૧૭ : ખંભાળીયા ખાતે વર્ષ ર૦૦૮ માં આસી. તરીકે ફરજ બજાવી ગયેલા રાજ્યના આઈ.એ.એસ. આલોક પાંડેનો રાજ્ય સરકારે ગુજરાત પ્રવાસન વિભાગના એમ.ડી. તરીકે નિમણુંક આપતા તેઓએ દ્વારકાધીશજીના દર્શન કરી ગુજરાત રાજયના પ્રવાસનના વિકાસની ગતિને વધુ તેજ બનાવવાની દિશા તરફની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

્દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ખંડમાં આલોક પાંડેનું પાલીકાના ચીફ ઓફીસર ચેતન ડુડીયા, વહીવટદાર તલસાણીયા, પાલીકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઈ સામાણી તથા દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન અને હોટલ એસોસીએશનના પ્રતિનિધિ નિર્મલભાઈ સામાણી, રવિ બારાઈ, ચંદુભાઈ બારાઈ, દેવસ્થાનના ટ્રસ્ટી પરેશ ઝાખરીયા અને રાજ્યગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ રાજ્યગુરૂ સાથે દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજ્પુર બીચ વિકાસની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અને હાલની વ્યવસ્થા તથા વિકાસના કાર્યો અને પ્રવાસીઓની વર્તમાનમાં ખાસ જરૂરીયાતોની જાણકારી પણ મેળવી હતી. બાદમાં પાંડેએ દ્વારકાધીશજીના દર્શન કરી જગતમંદિરના પ્રવેશદ્વાર પાસે પુરાતન દ્વારકાના પાંચ હજાર વર્ષ પૂરાણા શિલ્પકલાના મુલ્યવાન શિલ્પોનું જતન કરવા ઉપર સ્થાનીક અધિકારીઓ ઉપર ભારપૂર્વક જણાવ્યું હતું અને શિલ્પકલાના પ્રવાસીઓ તેમની પ્રાચીનતા અને ભવ્યતા વિષે વધુ જાણકારી મેળવી શકે તેવું આયોજન કરવા પણ જણાવ્યું હતું.

પાલીકા દ્વારા યાત્રાધામમાં વર્તમાનમાં ચાલતા વિકાસ કાર્યો અને ભવિષ્યની પ્રવાસીઓની સુવિધાઓ અંગેના આયોજનની બ્લ્યુ પ્રિન્ટ પાંડેને આપવામાં આવી હતી.

મુલાકાતના અંતે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી પરેશભાઈ ઝાખરીયા તથા નાયબ વહીવટદાર ખાખરીયાએ દ્વારકાધીશ મંદિરની હાલની ભોગ, સેવા અને વ્યવસ્થા અંગેની જાણકારી પાંડેને   આપી હતી.

(12:51 pm IST)