Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

SGVP ગુરુકુલની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે નૂતન છાત્રાલય તથા ભોજનાલયનું ખાતમુહૂર્ત

 

ઉના તા. ૧૭ પુરાણ પ્રસિદ્ધ દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મચ્છુન્દ્રી નદીના કિનારે, કષ્ટભંજન હનુમાનજી મહારાજના મારુતિ ધામ પરિસરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVP અમદાવાદ દ્વારા સંચાલિત તથા ગીર જંગલની મધ્યમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરમાં કન્યા-કુમાર વિદ્યાલયમાં ગામડાઓના બારસોથી વધારે દીકરા-દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે.

અહીં ગામડાના નાનામાં નાના માણસોની મોટા ભાગની શૈક્ષણિક અપેક્ષા પૂર્ણ થઈ શકે તેવી અનોખી અને આધુનિક શાળાના ભવ્ય સ્કૂલ બિલ્ડીંગની સાથે સાથે વિશાળ રમતગમતના મેદાનો નિર્માણ કરવામાં આવ્યા છે.

સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ, મ્યુઝિક રૂમ, લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસ, ડ્રોઇંગરૂમ, ક્રાફ્ટરૂમ, કોન્ફરન્સ હૉલ, કલ્ચરલ એક્ટિવીટી તેમજ ટ્રાન્સપોર્ટેશનની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ધોરણ ૧થી ૧૨, દીકરા-દીકરીઓ માટે અભ્યાસની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. નૈસર્ગિક વાતારણમાં ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાનો પણ પ્રારંભ થયો છે. હવે છાત્રાલયની વધુ માંગ હોવાથી તેમજ ભોજનાલયની પણ સુવિધા મળી રહે તેવા હેતુથી ભવ્ય બિલ્ડીંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ SGVP સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીના હસ્તે નૂતન છાત્રાલય અને ભોજનાલયના સુવિધાપૂર્ણ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલક પૂજ્ય ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા કોઠારી નરનારાયણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે આ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે.

(12:59 pm IST)