Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ચોટીલા પાસે કતલખાને જતા ૧૦ પશુઓ સાથે બે ઝડપાયા

વઢવાણ,તા.૧૭ : ચોટીલાના જીવદયા પ્રેમીઓએ એક ટ્રકનો પીછો કરીને સાંગાણી પાસે અટકાવી તેમાંથી કતલખાને ધકેલાતી ૮ ભેંસ અને ૨ પાડાને બચાવી લઇ ટ્રકમાંથી બે શખ્‍સોને ઝડપી લીધા હતાં.    જીવદયાપ્રેમી અને અખીલભારતીય  ગૌ સંવર્ધન પરિષદ-દિલ્‍હીના સુરેન્‍દ્રનગર જીલ્લા પ્રમુખ હરેશભાઈ ચૌહાણને હાઈવે ઉપરથી મુંગા જીવોને કતલખાને લઈ જતું વાહન પસાર થવાનું હોવાની બાતમી મળતા તેમણે તેમના મિત્રો દલસુખભાઈ અજાડીયા, વિપુલ  સાકરીયા, રઘુભાઈ ધરજીયા વિગેરે સાથે વોચમાં ગોઠવાઇ ગયા હતા. ત્‍યારે રાતના સુમારે ટ્રક નીકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ટ્રક ભગાવતા તેનો પીછો કરીને સાંગાણી ગામ પાસે આંતરી હતી અને તલાશી લેતા તેમાં ઘાસ-પાણીની સુવિધા વિના આઠ ભેંસો અને બે પાડાને ક્રુરતાથી બાંધેલા હતા.   જીવદયાપ્રેમીઓએ મુંગા જીવો અને ટ્રકચાલક રાજા વડલા ગામના દિલીપસિંહ દાડમસિંહ સોલંકી તથા વાંકાનેરના રાહુલ ભુરાભાઈ ચૌહાણને ચોટીલા પોલીસને સોંપીને હરેશભાઈ ચૌહાણે લેખિત ફરિયાદ આપી હતી. પુછપરછ દરમ્‍યાન ગાડીના ચાલકે જણાવ્‍યુ હતું કે, ભરૂચનાં કાદીરભાઈને ત્‍યાં લઈ જવાનું કહ્યુ હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(12:08 pm IST)