Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

પોરબંદરમાં ગરીબ કલ્‍યાણ મેળો : ૨.૨૮ કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ

જિલ્લાના ૨૩૭૦ લાભાર્થીઓને સ્‍વરોજગાર સાધન સહાયના ચેક વિતરણ : પશુ આહાર માટેના દાણ : તથા ઉર્જા બચતના સાધનો સહિત કીટ અપાઇ

પોરબંદર,તા. ૧૭ : માર્કેગિં યાર્ડ ખાતે ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લાના ૨૩૭૦ લાભાર્થીઓને કુલ રૂા. ૨ કરોડ ૨૮ લાખ ૮૬ હજારથી વધુ રકમના સાધના/સહાય, ચેક વિતરણ કરાયુ હતું. કાર્યક્રમના સ્‍ટેજ પર કુલ ૨૫ લાભાર્થીઓને મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે સહાય વિતરણ કરવામાં આવી હતી. જેમાં માનવ કલ્‍યાણ યોજનાની બ્‍યુટી પાર્લર સહિતની કીટ, દિવ્‍યાંગ લગ્ન સહાય યોજનાના લાભાર્થીને ચેક, વિદ્યાર્થીનીઓને સાયકલ, પશુપાલકોને પશુ આહાર માટે દાણ, ઉર્જા બચતના સાધનો સહિત કીટ આપવામાં આવી હતી.

ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્‍યુ હતુ કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્‍થળ પરથી સો ટકા મળે તથા સારી ગુણવતાયુકત સાધન કીટ લાભાર્થીને આપવાની સાથે વિવિધ યોજનાઓની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં લાભાર્થોને ૧૦૦ ટકા લાભ મળે છે. પોરબંદર જિલ્લાના લાભાર્થીઓને ગરીબ કલ્‍યાણ મેળામાંથી મળેલી સહાય, કીટથી અનેક પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્‍યુ છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં અનેકવિધ યોજનાઓ થકી નાગરિકોનું જીવન ધોરણ ઉચુ આવ્‍યુ છે.

અગાઉના સમયમાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળાના લાભાર્થીઓએ સરકારની સહાયથી આવેલા હકારાત્‍મક બદલાવોના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ લોકો દ્વારા મતદાન જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્‍યા હતા. તથા જિલ્લા કલેકટરશ્રીએ મતદાન જાગૃતિ માટે લખલુ ગીત ‘આઓ કરે મતદાન' કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌએ સાંભળ્‍યુ હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાએ ગરીબ કલ્‍યાણ મેળામાં જણાવ્‍યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે ગરીબો અને મધ્‍યમ વર્ગીય પરિવારો આર્થિક રીતે સશકત બને તે માટે લાભાર્થીઓને હાથો હાથ સહાય કીટ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. અને આ કાર્ય વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પણ ચાલુ રાખ્‍યુ છે. જેના પરિણામે અનેક પરિવારો ગરીબીમાંથી બહાર આવ્‍યા છે. અમારી સરકારે વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, વંચિતો, શ્રમિકો સહિત તમામ વર્ગોને લગતી યોજનાઓ શરૂ કરી સૌને સાથે સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. મહિલાઓ માટે પણ અનેક રોજગારીલક્ષી યોજનાઓ થકી આર્થિક ઉતેજત દ્વારા મહિલાઓને પુરૂષ સમોવડી બનાવી છે.

(11:58 am IST)