Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

જૂની પેન્‍શન યોજના શરૂ કરવા અને ફીક્ષ પગાર પ્રથા બંધ કરવાની માંગ સાથે કેશોદમાં કર્મચારીઓની રેલી યોજાઇ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૭: રાજ્‍યના કર્મચારીઓ દ્વારા જુની પેન્‍શન યોજના શરૂ કરવા સહિતની માંગણીને લઈને આંદોલન ચલાવી રહેલછે ત્‍યારે કેશોદમાં પણ ગત શનિવારે કર્મચારી રેલીનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ અંગે રાજય કર્મચારી મહામંડળના દિપેનભાઈ અટારાએ જણાવેલ કે ભારતના બંધારણના આર્ટિકલ ૧૪ પ્રમાણે સમાનતાનો અધિકાર તમામ નાગરિકને મળેલો છે. જો કોઈ નેતા પાંચ વર્ષ માટે ચૂંટાય છે તો તેમને જૂની પેન્‍શન યોજના પ્રમાણે પેન્‍શન ચૂકવવામાં આવે છે. જ્‍યારે સરકારી કર્મચારી પોતાની શૈક્ષણિક લાયકાત મેળવ્‍યા બાદ સ્‍પર્ધાત્‍મક અને મૌખિક પરીક્ષા પણ પાસ કરી સરકારી નોકરીમાં પસંદગી પામે છે. અને પોતાની જિંદગીના ૬૦ વર્ષ સુધી સરકારમાં ફરજ બજાવે છે છતાં સરકારી કર્મચારીને જૂની પેન્‍શન યોજનાનો લાભ સરકારશ્રી દ્વારા આપવામાં આવતો નથી. વધુમાં, જ્‍યારે સરકારી કર્મચારી સેવામાં જોડાય છે ત્‍યારે પ્રથમ તો તેને પાંચ વર્ષ સુધી ફિક્‍સ પગારમાં ફરજ બજાવવા માટે મજબૂર થવું પડે છે. સમાન કામ સમાન વેતનની જોગવાઈ મુજબ જે પણ ગેરબંધારણીય છે. 

જૂની પેન્‍શન યોજના એ કર્મચારીનો બંધારણીય હક છે. અને કર્મચારીને જૂની પેન્‍શન યોજના પ્રમાણે પેન્‍શન આપવાની સત્તા જ્‍યારે રાજ્‍ય સરકારની છે.

કેશોદના સરકારી કર્મચારીઓએ આજે શનિવારે એકત્રિત થઈ સરકારશ્રીને અપીલ કરી છે કે સરકારી કર્મચારીઓને જૂની પેન્‍શન યોજના સત્‍વરે લાગુ કરવામાં આવે અને યુવાનોના શોષણ સમી ફિક્‍સ પગારના કર્મચારીઓને નિમણૂંક  રેગ્‍યુલર પગારમાં સમાવવામાં આવે. તથા ફિક્‍સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે જે અન્‍વયે   કેશોદ તાલુકાના શિક્ષણ, આરોગ્‍ય, આઇ.ટી.આઇ.  સહિતના તમામ વિભાગના સરકારી કર્મચારીઓ  તારીખ ૧૫-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૭ કલાકે ચાર ચોક ખાતે એકત્રિત થયા હતા અને તમામ કર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવી રેલીની શરૂઆત કરેલી અને ત્‍યારબાદ વ્‍યવસ્‍થાના ભાગરૂપે શિસ્‍તબદ્ધ રીતે એક હરોળમાં મોબાઇલ ટોર્ચ ચાલુ રાખી અને બેનર સાથે જૂની પેન્‍શન યોજના શરૂ કરો અને ફિક્‍સ પગાર પ્રથા બંધ કરોના નારા સાથે રેલી કાઢી હતી. તેવું દિપેનભાઈ અટારાએ તેમની યાદીમાં જણાવેલ છે.

(1:47 pm IST)