Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

ચોટીલા તાલુકાની ૩૪થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા જ નથી !

ચોટીલાના અનેક ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઘેર થી પાણીની બોટલ લાવવી પડે છે. (તસ્‍વીરઃહેમલ શાહ)

ચોટીલા,તા.૧૮: રાજય સરકાર દર વર્ષે પ્રાથમિક શાળા ઓ માં અભ્‍યાસ કરતા બાળ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરોડો રૂપિયાનું આંધણ કરે છે ત્‍યારે કડવી વાસ્‍તવિકતા એ છે કે ચોટીલા તાલુકાની ૩૪ થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકો માટે શાળામાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્‍ધ નથી જેના કારણે આ બાળકોને ઘેરથી સાથે પીવાનું પાણી લાવવું પડે છે.

ચોટીલા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારો માં છેક આઝાદી સમય થી પીવાના પાણીની ઘેરી સમસ્‍યા દર વર્ષે વિકરાળ બની ને વધારેને વધારે મોઢું ફાડતી જાય છે ત્‍યારે હદ તો એ વાત ની છે કે આ તાલુકાની ૩૪ શાળાઓમાં પણ અહીં અભ્‍યાસ કરતા ભુલકાઓ માટે પીવાના પાણીની વ્‍યવસ્‍થા જ નથી.

ચોટીલા તાલુકાના ઝુંપડા (બા) , મેવાસા (શે) , નાવા વાદી વસાહત શાળા, નાના પાળિયાદ , જાનીવડલા , ગોલીડા , સાંડવા (ઢોકળવા ), ચોબારી , મેવાસા , સુખસર , મોટા હરણીયા , અકાળા , રેશમિયા, કુંઢડા , ચાણપા , રાજપરા , ડાકવડલા , સાલખડા , ફુલઝર , કાબરણ, ગુંદા , જીવાપર (આ), મહીદડ સહિત આ તાલુકાની ૩૪ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા માસુમ ભુલકાઓ ને દફતરના ભાર સાથે ઘેરથી પીવાના પાણીની બોટલનો ભાર પણ સાથે ઉંચકીને શાળામાં લઇ જવો પડે છે.

પાણી સમસ્‍યાથી ઘેરાયેલ અનેક શાળાઓમાં બાળકો માટે પાણી ની બોટલની દફતર સાથે સલામત રાખવી પડે છે અને શાળા સમય દરમિયાન બે ત્રણ વખત પાણી ભરવા પણ જવું પડે છે.ᅠ

આ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારો ની ૩૪ થી વધુ શાળાઓમાં ઘણાં જ વર્ષો થી આ હાલત છે તમામ રાજકીય પક્ષોના નેતાઓની અત્‍યંત નબળી નેતાગીરીનો આ બોલતો પુરાવો છે.

તાલુક પંચાયત શાળાઓમાં પીવાના પાણીમાં યુધ્‍ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી માંગ

ચોટીલાના જે ૩૪ સરકારી પ્રાથમિક શાળાઓ ની પાણી સમસ્‍યા હલ કરવા બે ઉપાય વાલીઓએ સુચવ્‍યા છે જેમાં જે ગામો માં નર્મદાના પાણીની લાઇન પસાર થાય છે તેમાંથી શાળાઓને પાણી ના કનેક્‍શન આપવાની જરૂર છે અને જે ગામોમાં નર્મદાની લાઇન જ નથી તેવા ગામોની શાળાઓમાં ટેન્‍કર દ્વારા જે તે શાળાઓના ટાંકાઓમાં પાણી ભરવામાં આવે તો પણ આ સમસ્‍યાનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે તેમ છે.

ચોટીલા તાલુકાના ૮૨ જેટલા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુલ ૧૩૨ સરકારી પ્રાથમિક શાળામાં છે અને આ શાળાઓમાં કુલ ૨૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યાં છે પણ આ પૈકીની ૩૪ જેટલી શાળાઓના ૪૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળામાં પીવાના પાણીની વ્‍યવસ્‍થા જ નથી તે આ તાલુકાની કડવી વાસ્‍તવિકતા છે.

(11:32 am IST)