Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જુનાગઢ પંથકના સંજય અને રમેશને કુવાડવા નજીક છરી બતાવી કારના ચાલક સહિત ત્રણ શખ્‍સે લૂંટી લીધા

ગ્રીનલેન્‍ડ ચોકડીએ ‘હાલો અમદાવાદ...અમદાવાદ'ની બૂમો પાડતાં શખ્‍સની કારમાં બેઠા અને લૂંટાયા : રમેશને અમદાવાદ કિડનીની સારવાર માટે જવુ હતુઃ રાજકોટ બસ સ્‍ટેશનેથી રાતે એક વાગ્‍યે વાહન ન મળતાં બંને ગ્રીનલેન્‍ડ ચોકડીએ ગયા ત્‍યાંથી સિલ્‍વર રંગની અર્ટીગા કારમાં બેઠા'તાઃ રોકડ-મોબાઇલ મળી ૩૮ હજારની લૂંટઃ કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૮: જુનાગઢના મંગલપુરનો યુવાન તેના બાજુના મુળીયાસા ગામમાં રહેતાં પોતાના મિત્રને કિડનીની સારવાર માટે અમદાવાદ જવાનું હોઇ તેની સાથે શનિવારે રાત્રે રાજકોટ આવ્‍યા બાદ અહિની ચોકડીએથી ‘હાલો અમદાવાદ...અમદાવાદ...'ની બૂમો પાડતાં શખ્‍સની સિલ્‍વર રંગની અર્ટીગા કારમાં બેસતાં કાર ચાલક અને બીજા બે શખ્‍સોએ કાર વાંકાનેર તરફના રસ્‍તે રાણપુરના બોર્ડ નજીક અવાવરૂ જગ્‍યાએ લઇ જઇ છરીઓ બતાવી જે હોય તે આપી દેવા કહી બંને મિત્રો પાસેથી ૨૫ હજારની રોકડ અને બે મોબાઇલ ફોન રૂા. ૧૦ હજારના તથા ફિંગરપ્રિન્‍ટ ડિવાઇસ રૂા. ૩ હજારના મળી કુલ ૩૮ હજારની લૂંટ કરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે જુનાગઢના મંગલપુરના વતની મંગલપુર ગ્રામ પંચાયતમાં કોમ્‍પ્‍યુટર તરીકે નોકરી કરતાં સંજય રામભાઇ ગોહેલ (આહિર) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી સિલ્‍વર કલરની અર્ટીગા કારમાં રહેલા ૨૫ થી ૩૦ વર્ષના ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૯૨, ૩૯૮, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે.
સંજય ગોહેલે પોલીસને જણાવ્‍યું છે કે અમારી બાજુના મુળીયાસા ગામમાં મારા મિત્ર રમેશ રમણમલભાઇ વાળા ત્‍યાં ગ્રામ પંચાયતમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમને અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે કિડનીની સારવાર ચાલુ હોઇ બતાવવા જવું હોઇ અમે શનિવારે રાતે દસેક વાગ્‍યે રાજકોટ બસ સ્‍ટેશન ખાતે આવ્‍યા હતાં. અહિથી વાહન ન મળતાં રાતના એકાદ વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચ્‍યા હતાં.
અહિ એક સિલ્‍વર રંગની અર્ટીગા કાર ઉભી હતી. તેની પાસે એક શખ્‍સ અમદાવાદ...અમદાવાદ...ની બૂમો પાડતો હતો. જેથી હું અને મિત્ર તેમાં બેસી ગયા હતાં. તેમાં એક ડ્રાઇવર હતો અને અમે બેઠા એ પછી બીજા બે જણા પણ બેસી ગયા હતાં. તે મુસાફર હશે તેમ અમને લાગ્‍યું હતું. કાર ચાલુ થયા પછી દોઢેક વાગ્‍યે કુવાડવાથી આગળ અમદાવાદ તરફના રસ્‍તાને બદલે વાંકાનેર ચોકડીથી ટર્ન લેતાં અમે તેને પુછતાં કહલું કે નવો બાયપાસ નીકળ્‍યો છે ત્‍યાંથી જવાનું છે.
ત્‍યારબાદ વાંકાનેર તરફ આશરે બે કિ.મી. કાર આગળ વધતાં રાણપુર ગામનું બોર્ડ આવતાં તે તરફ એકાદ કિ.મી. કાર લઇ જઇ અવાવરૂ જગ્‍યા આવતાં ચાલકે કાર ઉભી રાખી હતી. અમારી સાથે બેઠેલા બે શખ્‍સે છરી કાઢી અમને જે હોય તે આપી દેવા કહ્યું હતું. અમે ગભરાઇ જતાં ૧૦ હજાર રોકડ હતી તે તેથા મારો રીયલ-મી કંપનીનો મોબાઇલ રૂા. ૫૦૦૦નો તથા ગ્રામ પંચાયતમાં ઉપયોગમાં લેવાતાં ફિંગર પ્રિન્‍ટ ડિવાઇસ રૂા. ૩૦૦૦ના લૂંટી લીધા હતાં.
આ ઉપરાંત મિત્ર રમેશ વાળા પાસેથી  પણ રોકડા ૧૫ હજાર અને રેડમીનો ૫૦૦૦નો મોબાઇલ લૂંટી લીધો હતો. આ પછી આ ત્રણેય અમને અવાવારૂ જગ્‍યાએ જ મુકીને ભાગી ગયા હતાં. અમે જેમ તેમ કરીને રોડ પર આવ્‍યા હતાં અને એક ટ્રક નીકળતાં તેને અટકાવી બનાવની વાત કરી હતી. આથી ટ્રક ચાલકે તેનો ફોન આપતાં અમે રમેશભાઇના ભાઇ કેશુભાઇ સાથે વાત કરી હતી. જેથી તેના કુટુંબી સવદાસભાઇ કુવાડવા નજીક સંતોષ હોટેલ ધરાવતાં હોઇ તેમને જાણ કરતાં તેણે પોલીસને જાણ કરી હતી. એ પછી અમે ફરિયાદ કરી હતી.
કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં પીએઅસાઇ જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી આરોપીઓની તપાસ શરૂ કરી છે.

 

(11:55 am IST)