Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

વહેલી સવારે ઝાકળવર્ષા બપોરે ધોમધખતો તાપ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહત્તમ તાપમાનમાં સતત વધારા સાથે લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારે હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો અને ઝાકળવર્ષા થઇ હતી. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું અને જેમ-જેમ દિવસ પસાર થતો જાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.
સમાન્‍ય રીતે લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ ના છૂટકે બહાર નીકળવાનું થાય છે. ત્‍યારે આપણે ઉતાવળ ના કારણે થોડી તકેદારી રાખવાનું ભૂલી જતા હોઈએ છીએ. આપણા શરીરનું તાપમાન ગરમીના કારણે સામાન્‍યમાંથી ૧૦૪ ડિગ્રીની ઉપર ચાલ્‍યું જાય તેને લૂ લાગી છે એમ ગણી શકાય. એવા સમયે વ્‍યક્‍તિને સખત માથું દુખે, ચક્કર આવે, આંખે અંધારા આવે અને પરસેવો થતો બંધ થઈ જાય એ લૂ લાગવાના લક્ષણ છે.ᅠ
સમાન્‍ય રીતે માનવીના શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સેન્‍ટિગ્રેટ હોય છે, એમાં અચાનક વધારો થવા લાગે, પગમાં દુખાવો થાય, વધુ થાક લાગે તો સમજવું કે તમને લૂ લાગી છે. આવા સમયે તરત તડકામાંથી છાંયામાં ચાલ્‍યા જવું કોઈ વ્‍યક્‍તિને લૂ લાગે અને એ બેભાન જેવો થઈ જાય તો તાત્‍કાલિક તેની બગલમાં બરફનો ટુકડો બંને તરફ મૂકી દેવો જેનાથી તેનું ટેમ્‍પ્રેચર નીચું આવી જશે.ᅠ
લૂથી બચવા તરસ લાગે કે ના લાગે થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. વધારેમાં વધારે લિકવિડ ખોરાક લેવો જોઈએ અને પૂરતું શરીર ઢંકાય એવા વષાો પહેરવા જોઈએ, ડાર્ક રંગના કપડાં પહેરવાથી ગરમી વધુ લાગે છે એવા સમયે બને તો શ્વેત વષાો પહેરવાથી ગરમી સામે રક્ષણ મળે છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં ગઇ કાલ રવિવારે ઉનાળાની સીઝન ની સૌથી વધુ ગરમી નોંધાઇ છે.મહતમ તાપમાન વધીનેᅠ ૪૧.૨ ડિગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. આજે શહેરનું લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું .જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૨૪ કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો તોબાᅠ પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૬ મહત્તમ, ૨૩ લઘુત્તમ, ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
જૂનાગઢ
(વિનુ જોશી) જૂનાગઢ : જૂનાગઢમાં સવારથી વાતાવરણમાં ભેજને લઇ ઉકળાટ અને બફારો વધ્‍યો છે.
આજે નવા સપ્‍તાહના પ્રથમ દિવસે જૂનાગઢમાં સવારનું લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાવાની સાથે ગરમી શરૂ થઇ ગઇ છે.
વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહેતા બફારાનું સામ્રાજ્‍ય છવાય ગયું છે. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૨ કિમીની રહી હતી.

 

(12:01 pm IST)