Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

ભાવનગરના મેયરના પુત્રને કોરોના : સૌરાષ્ટ્ર - કચ્છમાં વધતા કેસથી ફફડાટ

કોર્પોરેશનના તમામ કર્મચારીઓને ફરજીયાત માસ્ક પહેરવા આદેશ : રૂ. ૧ હજારનો દંડ ફટકારાશે

રાજકોટ તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી પાછા કોરોનાના કેસનો રાફડો ફાટયો છે અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે ત્યારે લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર, કોર્પોરેશન ટીમ સહિતના દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ : ભાવનગરના મેયરનો પુત્ર કોરોના પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેશન થયા છે.

ભાવનગરમાં કોરોના વાઇરસે ભરડો લીધો છે. શહેરમાં હોસ્પિટલોમાં કોરોનાના બેડ ભરાવા લાગ્યા છે. દરમિયાન ભાવનગરના નવનિયુકત મેયર કિર્તીબેન દાણીધારીયાના પુત્ર ઓમ દાણીધારીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સરકારની ગાઇડલાઇન મુજબ મેયર પણ હોમ આઇસોલેશન થયા છે.  ભાવનગરમાં ભયજનક રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મ્યુ. કમિશનરે ભાવનગર મ.ન.પા.ના દરેક કર્મચારીઓને ફરજ દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવા અને જો માસ્ક જોવા નહિ મળે તો રૂ. ૧૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

ભાવનગરમાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. શહેરમાં વધુ ૨૪ અને ગ્રામ્યમાં ૮ મળી કુલ ૩૨ કેસ નોંધાયા છે. શહેરમાં ૧૪ પુરૂષ અને ૪ સ્ત્રીના પોઝિટિવ કેસ અલગ અલગ વિસ્તારમાં નોંધાયા છે. ત્યારે જિલ્લાના મહુવા, દેવગાણ, સાંખડાસર, હાથલ, સમઢીયાળા, પાણવી, ગોલર વિગેરે ગામોમાં ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૧૧ અને ગ્રામ્યમાં ૭ દર્દીઓ મળી કુલ ૧૮ દર્દીઓ કોરોના મુકત બનતા તેને રજા આપવામાં આવી છે.

આ સાથે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંક ૬૪૪૦ થયો છે અને હવે ૧૪૦ દર્દી સારવાર લઇ રહ્યા છે.

પાલીતાણા છ'ગાઉની યાત્રા મોકૂફ

વિ.સં. ૨૦૭૭ ફાગણ સુદ-૧૩, શુક્રવાર તા. ૨૬-૦૩-૨૦૨૧ના દિવસે પવિત્ર શાશ્વત ગિરિરાજ શત્રુંજય મહાતીર્થની છ'ગાઉની યાત્રાર્થે પધારનાર તમામ યાત્રિક ભાઇ-બહેનોને જણાવવાનું કે કોરોના મહામારીના વધતા જતા સંક્રમણ અને સરકારી સૂચનાઓને ધ્યાનમાં રાખીને યાત્રિકોની સુરક્ષા - વ્યવસ્થા વગેરે કારણોસર આ વર્ષની છ'ગાઉની યાત્રા (ફાગણ ફેરી) મોકૂફ રાખવામાં આવી છે. યાત્રા સાથે સંબંધિત સગવડતા, વ્યવસ્થા વગેરે પણ ઉપલબ્ધ રહેશે નહીં.

આપની તીર્થ ભકિત, આરાધનાના ભાવની ખૂબ ખૂબ અનુમોદના છતાંયે અસાધારણ સંજોગોને કારણે લાંબી વિચારણા બાદ પેઢીને આ નિર્ણય કરવો પડયો છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : જિલ્લામાં કોરોના કહેર ધીમે ધીમે વધી રહ્યો છે અને ત્રણ તાલુકામાં નવા ૬ કેસો નોંધાયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૩ કેસ જેમાં ૧ ગ્રામ્ય અને ૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૨ કેસો જેમાં ૧ શહેરી અને ૧ ગ્રામ્ય તેમજ હળવદનો ૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૬ કેસ નોંધાયા છે તો ૨ દર્દી સ્વસ્થ થયા છે. નવા કેસો સાથે જિલ્લામાં કુલ કેસનો આંક ૩૪૨૯ થયો છે. જેમાં ૫૩ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૧૬૪ દર્દી સ્વસ્થ થયા છે.

(10:45 am IST)