Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

સાવરકુંડલાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ૬ મહિના મોડી યોજાઇ હોત કોરોના કાબુમાં આવી ગયો હોતઃ ગ્યાસુદીન શેખ

ક્રિકેટ મેચોના કારણે અમદાવાદની પરિસ્થિતી ગંભીર થવાના એંધાણઃ હોળી-ધુળેટી સહિતના તહેવારોમાં ગાઇડલાઇન પાલન કરવા માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૯ : અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટીસ શ્રી વિક્રમનાથને પત્ર લખીને જણાવ્યું છે કે  સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ અને અમદાવાદ શહેરમાં યોજાયેલ ક્રિકેટ મેચોમાં મેદની ભેગી થવાના કારણે સમગ્ર રાજય અને ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયંુ છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં એએમટીએસ બસ સેવા બીઆરટીએસ બસ સેવા બાગ-બગીયાઓ પ્રાણીસંગ્રહાલય સરકારી-ખાનગી જીમ ફરજિયાત બંધ કરવાની ફરજ પડી છે.

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ત્રણ લાખ કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવવાના હતા હજારો ઉમેદવારો અને કરોડો મતદારો હતા ત્યારે ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયાથી શરૂ કરી વિજય સરઘસ નીકળ્યા ત્યા સુધી લાખો લોકો રસ્તા પર નીકળવાના હતા ત્યારે ચૂંટણી મેળાવડાઓ, ચૂંટણી સભાઓ, રેલીઓ, જમણવાર, વિજય સરઘસ નીકળવાના કારણે કોરોના વકરશે તેવી દહેશત વ્યકત કરી કોરોના સંક્રમણ ઘટે ત્યારબાદ જ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજવા માટ મે નામદાર હાઇકોર્ટમાં પીઆઇએલ કરી હતી જેના અનુસંધાને સરકારે ત્રણ મહિના ચૂંટણીઓ મોડી યોજી. જો આ ચૂંટણીઓ છ મહિના મોડી યોજાઇ હોત તો કદાચ કોરોના સાવ જ કાબુમાં આવી ગયો હોત.

આ ઉપરાંત અમદાવાદમાં ક્રિકેટ મેચોના કારણે કેસો વધતા સંક્રમણનો દોષનો ટોપલો અન્ય ગરીબો ઉપર ન ઢોળવો જોઇએ.

હોળી-ધુળેટી સહિતના તહેવારો કોરોના ગાઇડલાઇન મુજબ ઉજવવા ગ્યાસુદીન શેખએ માંગણી કરી છે.

(1:00 pm IST)