Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કાલે સોમનાથમાં અતિથિગૃહનું નરેન્દ્રભાઇના હસ્તે વર્ચ્યુલ ઉદ્ઘાટન

ભૂપેન્દ્રભાઇ પટેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે : રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી રૂબરૂ ઉપસ્થિત રહેશે : સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે

પ્રથમ તસ્વીરમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા નવુ અતિથિગૃહ નજરે પડે છે.

(દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ - મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) વેરાવળ - પ્રભાપાટણ તા. ૨૦ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતવર્ષના આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને અરબી સમુદ્રના કિનારે રૂ. ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુલી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ઉપરાંત સોમનાથ ખાતે રાજય સરકારના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીની પ્રરેક ઉપસ્થિતિમાં તા.૨૧-૦૧-૨૦૨૨ના રોજ સવારે ૧૦ કલાકે આ ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

આ આલીસાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ ૧૫૦૦૦ ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા ૭૦૭૭.૦૦ ચો.મી. છે. અધ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં ૨ વીવીઆઈપી સ્યુટ રૂમ, ૮ વીવીઆઈપી રૂમ, ૮ વીઆઈપી રૂમ, ૨૪ ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને ૨૦૦ લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે

ભારતના પશ્ચિમ સાગર તટે આવેલા ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મંદિરના સમુદ્રતટે વડાપ્રધાનની ભેટ સમુ અદ્યતન અતિથીગૃહ સજીધજીને સાકાર થઇ ચુકયું છે જે ર૧ જાન્યુઆરીએ લોર્કાપણના પડઘમ વાગી રહ્યા છે.

સોમનાથ મંદિર અને સાગર દર્શન અતિથીગૃહથી ભીડભંજન મંદિર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશન મધ્યે સોમનાથ મંદિર નજીદીક આ અતિથીગૃહ તૈયાર થયેલ છે.

નિર્માણ વિશેષતાઓ

* આ સરકીટ હાઉસ ૧પ૦૦૦ ચો. મી. જમીન ફાળવાયેલ અને જેનો બિલ્ટઅપ એરીયા ૭૦૭૭.૦૦ ચો. મીટર છે.

*  અતિથીગૃહમાં કુલ ૪૮ રૂમો છે. વીવીઆઇપી સ્યુટ રૂમ-ર, વીવીઆઇપી રૂમ ૮, વીઆઇપી રૂમ ૮, ડીલકસ રૂમ ર૪, ફોર સીટ રૂમ ૪, ડોરમેટરી-ર,

વોટર હાર્વેસ્ટીંગ, કમ્પાઉન્ડ વોલ, ટ્રી-પ્લાન્ટેશન ગાર્ડનીંગ, ફાયર ફાયટર સુવિધા, પાર્કીંગ, ડાયનીંગ હોલ, આર. સી. સી. ફ્રેમ ર્વક, બેલા મશીન સાથે બહારનું સેન્ડ ફેસ, સેન્ડ ફેસ પ્લાસ્ટર, અંદરની બાજુ માલા પ્લાસ્ટર, ગ્રેનાઇટ ફ્રેમ સાથે ફલસ ડોર શટર બે લીફટ સાથે ત્રણ સીડી.

દરિયાનો વ્યુ મળે તે રીતે બન્ને તરફ જમીન સ્કેપિંગ બેઠક વ્યવસ્થા, ઇન્ટરનલ સીસી રોડ, કિચન, પ૦ લોકોની કેપીસીટી, જનરલ ડાયનીંગ હોલ, ર૦ લોકોની કેપીસીટી વીઆઇપી ડાયનીંગ હોલ, ર૦ લોકોની કેપેસીટી ધરાવતો કોન્ફરન્સ રૂમ તેમજ ર૦૦ લોકોની કેપેસીટી ધરાવતું ઓડીટેરીયમ કમ હોલ, ત્રણ સ્ટોર સાથે બે લીફટ સુવિધા.

બિલ્ડીંગ સંકુલમાં ઓપન પ્રોગ્રામ સુવિધા

રૂપિયા ર૧.ર૭ કરોડના ખર્ચે બનેલ આ અદ્યતન સુવિધાયુકત અતિથિગૃહ નિર્માણ થતાં અધિકારીઓ, પદાધિકારીઓ અને યાત્રિકોની સોમનાથ આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

હાલમાં સરકારી અતિથીગૃહ રાજેન્દ્ર ભુવન કે જે સોમનાથ મંદિરથી ૧૦ કી.મી. દુર વેરાવળ ખાતે આવેલ છે. જે ૧૯પ૧ માં તત્કાલીન ભારતના રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના નામથી જાણીતું છે. જે બિલ્ડીંગમાં ૧પ રૂમો છે અને જીર્ણ-જુનુ પણ થઇ ગયેલ છે. ઉપરાંત સતત યાત્રિકોનો પ્રવાહ સોમનાથ વધી રહ્યો હોય જેથી ગુજરાત સરકારે તા. ર૪-૧૦-૧૭ ના રોજ મંજૂરી આપી અને જેનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે થયું હતું.(૨૧.૧૧)

આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવની દરિયા કિનારે ૫૦ હોડીમાં મશાલ સાથે મહાઆરતી

રાજ્યમંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહેશે

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૦ :રાજયના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી સોમનાથ મંદિર પરિસર સમીપના સમુદ્ર દર્શન વોક-વે ખાતે આજે તા.૨૦-૦૧-૨૦૨૨ના રોજ સાંજે ૦૭ કલાકે આયોજિત મશાલ સાથેની મહાઆરતીમાં જોડાશે.

જેમાં દરિયા કિનારે ૫૦ હોડીમાં મશાલ સાથે ભગવાન સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવશે. આ પ્રસંગે નામી કલાકારો પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે. આ પૂર્વે સાંજે પ કલાકે સોમનાથ ટ્રસ્ટ અને સંબધિત અધિકારીઓ સાથે યાત્રાધામ સોમનાથના વિકાસના કામોની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, આ મહાઆરતી કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાશે.

આ સાથે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી તા.૨૧-૦૧-૨૦૨૨ ના રોજ વહેલી સવારે ભગવાન સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિર પરિસરમાં આવેલ વીર હમીરજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે.(

(10:43 am IST)