Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ભાવનગરમાં મધુર બેકરીમાં આગ લાગ્‍યા બાદ ત્રણ બાટલા ફાટયાઃ સંપૂર્ણ સામાન ખાખઃ ૪ને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૧ :.. ભાવનગરનાં નવાપરા વિસ્‍તારમાં આવેલ બેકરીમાં આગ ભભૂકી ઉઠયા બાદ કોમર્શીયલ ગેસનાં ત્રણ બાટલા ફાટતા ફાયર બ્રીગેડનાં ચાર કર્મચારીઓને ઇજા થતા હોસ્‍પીટલ ખસેડાયેલ છે. ફાયર બ્રીગેડનાં સ્‍ટાફે સાડા ત્રણ કલાકની જહેમત બાદ પાંચ ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
આગનાં આ બનાવની મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ૪.૩૦ કલાકે શહેરનાં નવાપરા ડી. એસ. પી. કચેરી સામે આવેલા રસાલા કેમ્‍પમાં આવેલ મધુર બેકરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકસળ સ્‍વરૂપ ધારણ કરતાં બેકરીમાં રહેલા નવ કોમર્ર્શીયલ ગેસ સીલીન્‍ડર ફાટતાં અવાજ આવતાં આજુ બાજુનાં લોકો સફાળા જાગી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડનો સ્‍ટાફ દોડી આવ્‍યો હતો. અને કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રીગેડની કામગીરી દરમ્‍યાન બેકરીમાં રહેલા ગેસ સીલીન્‍ડર ફાટતાં ફાયર બ્રિગેડનાં સીનીયર નીઝામખાન લલોચ તથા દિપકભાઇ ગોહેલ, જયેશભાઇ વણંદ તથા હેમંતભાઇ ચૌહાણ ને ઇજા થઇ હતી અને ઝાળ લાગતાં દાઝી જતાં ચારેયને ૧૦૮ મારફત સરટી હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે.
આગમાં બેકરીનો સામાન, ગેસનાં પેકેટ, કાચોમાલ, ખાંડ, તેલ, મેંદો તેમજ સંપૂર્ણ ફર્નીચર સળગી જવા પામેલ છે. ફાયર બ્રીગેડનાં સ્‍ટાફે પ ગાડી પાણીનો છંટકાવ કરી સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંક જાણવા મળેલ નથી તેમ ફાયર બ્રિગેડનાં સુત્રોએ જણાવ્‍યું હતું. બેકરીની માલીકી પ્રાંસલબેન ભરતભાઇ વાઘવાણીની હોવાનું જાણવા મળેલ છે.

 

(11:18 am IST)