Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

જસદણના હિંગોળગઢ સંપ ખાતે પાણી વિતરણનું કામ રાખનાર દ્વારા જ પાણીની ચોરી

ભાજપનાં પૂર્વ મહામંત્રી ભુપતભાઈની રજૂઆત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૧: વીંછિયા તાલુકા ભાજપનાં પૂર્વ મહામંત્રી ભુપતભાઈ કેરાલીયાએ નરેન્‍દ્રભાઇ મોદી, સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ, ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મુખ્‍યમંત્રી ઋષિકેષભાઈ પટેલ પાણી પુરવઠા મંત્રી,

ભરતભાઈ બોઘરા ઉપાધ્‍યક્ષ ભાજપ, સચિવ પાણી પુરવઠા ગાંધીનગર, મુખ્‍ય ઈજનેર પાણી પુરવઠા રાજકોટ સહિતનાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા મુજબ વીંછીયા તાલુકાના હિંગોળગઢ ગામેᅠ નર્મદાના પાણીના સંપથી ગામડામાં પાણીનું વિતરણ કરવા માટે પેટા કોન્‍ટ્રાક્‍ટ રાખીને દરેક ગામને પાણીનું વિતરણ કરે છે.ᅠ કયા ગામોને પાણી વિતરણ ઓછું કરવું કે વધુ કરવું તે વીંછિયા વિસ્‍તારના આગેવાનની સૂચનાથી પેટા કોન્‍ટ્રાક્‍ટર પોતાની મનમાની ચલાવીને વીંછિયા વિસ્‍તારના ઘણાં ગામોને પાણી અનિયમિત આપે છે. પેટા કોન્‍ટ્રાક્‍ટર ઘણાં વર્ષોથી હિંગોળગઢ સંપમાં કામ કરે છે જેથી જસદણ પાણી પુરવઠા ઓફિસ અને જસદણ વીંછિયાના આગેવાનની મીઠી નજરે લીલાપુરથી કાળાસર ગામ સુધીની જૂની પી.વી.સી. પાઇપ લાઇન કાઢીને હિંગોળગઢ નર્મદા પાણીના સંપથી પોતાની વાડી સુધી બિન કાયદેસર લાઇન નાખી દીધેલ છે. બિલેશ્વરથી ખડકાણા વચ્‍ચેᅠ પ્રાકૃતિક કેમ્‍પ સાઈટ ચલાવે છે, ત્‍યાં પણ બિનઅધિકૃત રીતે પાણીનું કનેક્‍શન લીધેલ છે.ᅠ હિંગોળગઢ નર્મદા પાણીના સંપથી પોતાના ઘર સુધી પણ નર્મદા પાણીની પાઇપ લાઇન બિનઅધિકૃત રીતેᅠ લીધેલ છે. મોઢુકાથી હિંગોળગઢ સુધીના મેઇન લાઇનના વાલ્‍વમાંથી પણ તેના સગાંવહાલાંઓને પાણી આપવામાં આવે છે જેની ફરિયાદ અમોએ અગાઉ કરેલ હતી પરંતુ આજ તારીખ સુધીᅠ પાણી પુરવઠાના અધિકારી દ્વારા કોઈપણᅠ જાતનાં પગલાં ભરવામાં આવેલ નથી.ᅠ આજ તારીખ સુધી બિનઅધિકૃત રીતે પાણીની લાઇન પોતાની વાડી સુધી અને પોતાના ઘરે લઈ ગયેલ છે.ᅠ રાજકીય આગેવાનની મીઠી નજરે કયા ગામને પાણી ઓછું દેવું કે વધુ દેવું તે નક્કી કરવામાં આવે છે. વીંછિયા વિસ્‍તારના લોકોને પાણી માટે હેરાન કરવામાં આવે છે. જે લોકો તેની વિરુદ્ધ ફરિયાદ કરે તેઓને નર્મદાનું પાણી ન મળે તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે.

 આ બાબતે હિંગોળગઢ પાણીના સંપનું પાણી વિતરણ કરતા પેટા કોન્‍ટ્રાક્‍ટર સામે તપાસ કરીને લીલાપુરથી કાળાસર સુધીની પાણીની પાઇપ લાઇન કાઢેલ તે લાઇન કોની મીઠી નજરે હિંગોળગઢથી પેટા કોન્‍ટ્રાકટરની વાડી સુધી નાખવામાં આવેલ છે ? વીંછિયા વિસ્‍તારના લોકોને થતા અન્‍યાય અંગે જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરીને બહેરા કાને લોકોનો અવાજ સાંભળી રહ્યા છે.ᅠ વીંછિયા તાલુકાના લોકોને બાનમાં લઈને પીવાના પાણીનો બગાડ કરી રહ્યા છે તેઓની સામે અને જે જગ્‍યા ઉપર અન્‍ય પાણીની લાઇન નાખવામાં આવેલ છેᅠ તેની તપાસ કરીનેᅠ કાર્યવાહી કરવા અંતમાં ભુપતભાઈ કેરાલિયાએ રજૂઆત કરી છે.

(11:53 am IST)