Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની જલ્‍સા ફેઇમ સ્‍થાનિક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા જમ્‍બલીંગ સીસ્‍ટમ અપનાવી હતી તે હવે રદ કરી... : ર૬ પરીક્ષા અને ૪૧૦પ૦ પરીક્ષાર્થીઓ :સીન્‍ડીકેટની મંજુરી વગર નવી સીસ્‍ટમનો અમલ * ૧પ૭ કેન્‍દ્રો ઉપર ચાલતી પરીક્ષામાં ૭ર નિરીક્ષકો દોડાવ્‍યા : પરીક્ષા કેન્‍દ્ર ઉપર કુલપતિ ગિરીશ ભીમાણી અને પરીક્ષા નિયામક નિલેશ સોનીનું સતત નિરીક્ષણ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્‍દ્રો ઉપર શાંતિથી પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ અને સુપરવાઇઝરો નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૪.૮)

રાજકોટ, તા., ૨૧: બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ડીગ્રી અને પરીક્ષાની વિશ્વસનીયતા  સામે પડકારનો સામનો કરતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી વધુ વિવાદમાં આવી છે. ભાજપના  બે જુથ વચ્‍ચે ચાલતો વિવાદ વચ્‍ચે આજથી  જાણે જલ્‍સા ફેઇમ પરીક્ષાનો પ્રારંભ થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્‍ચ સતામંડળ સીન્‍ડીકેટની  મંજુરી વગર જમ્‍બલીંગ સીસ્‍ટમ રદ કરી તેના સ્‍થાને હવે સ્‍થાનીક કક્ષાએ જ પરીક્ષા લેવાઇ રહી છે. કુલપતિ અને તેમના નજીકના  પ્રિન્‍સીપાલોની લાગણીને માન આપીને સ્‍થાનીક કક્ષાએ પરીક્ષા લેવાઇ રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં સ્‍થાનીક કક્ષાએ લેવાતી પરીક્ષામાં ગેરરીતી  બેફામ થતી હોય ત્‍યારે યુનિવર્સિટીએ જે કોલેજમાં અભ્‍યાસ કરતો વિદ્યાર્થીની પરીક્ષામાં બેઠક વ્‍યવસ્‍થા અન્‍ય કોલેજમાં કરવા જમ્‍બલીંગ સીસ્‍ટમ અપનાવી હતી.  હવે ફરી પાછી સ્‍થાનીક કક્ષાએ પરીક્ષા ગોઠવતા તેજસ્‍વી અને મહેનતુ વિદ્યાર્થીઓને  નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. સ્‍થાનીક કક્ષાએ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં  વ્‍યાપક ગેરરીતી આચરતા હોવાની ફરીયાદો ઉઠી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની આજથી વિવિધ વિદ્યાશાખાની ૨૬ પરીક્ષાનો પ્રારંભ થયો છે. તેમાં કુલ ૪૧,૦૫૦ વિદ્યાર્થીઓ ૧૫૭ કેન્‍દ્રો ઉપર પરીક્ષા આપી રહયા છે.  પરીક્ષામાં ગેરરીતી અટકાવવા ૭૨ નિરીક્ષકોને દોડાવ્‍યા છે. તો પરીક્ષાની વ્‍યવસ્‍થા સુચારૂ રીતે લેવાય તે માટે પરીક્ષા કેન્‍દ્રો ઉપર કુલપતિ ગીરીશભાઇ ભીમાણી અને પરીક્ષા નિયામક નિલેશભાઇ સોની સતત નજર રાખી રહયા છે. 

(12:05 pm IST)