Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સૃષ્ટિ રૈયાણીની હત્યા કરનારને તાત્કાલીક ફાંસીના માચડે લટકાવી દેવો જોઇએ : હાર્દિક પટેલ -રેશ્મા પટેલ

જેતલસર ખાતે પરિવારજનોને સાંત્વના પાઠવી : સરકારે ૧ કરોડનું વળતર આપવું જોઇએ

(કુલદિપ જોષી દ્વારા) જેતલસર,તા. ૨૩: જેતલસરમાં કાલે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના આગમન બાદ મૃતક તરૂણી સૃષ્ટિના વાલીઓને શાંત્વના આપવા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને એનસીપીના રેશ્મા પટેલ અહીં દોડી આવ્યા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે ખુબ દુઃખદ ઘટના બની છે. ૧૬ વર્ષની બહેનને ૧૩ વર્ષનો ભાઈ બચાવી ના શકે તે સહજ છે છતાં ભાઈની હિમ્મત કાબિલેદાદ કહેવાય.પોલીસને અભિનંદન આપતા હાર્દિકે કહ્યું કે રાજકોટ જિલ્લા પોલીસ વડાને તેમની વિનંતી છે કે ૩૦-૩૫ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરે અને આરોપીને સજા અપાવે.

હાર્દિક પટેલ સાથે આવેલા એનસીપીના રેશ્મા પટેલે કહ્યું હતું કે ઘટના વિષે બોલવા જેવા કોઈ શબ્દો જ નથી. ઓછા સમયમાં જ નરાધમને સજા કરીને ફાંસીને માચડે લટકાવી દેવો જોઈએ. તેણીએ વધુમાં કહ્યું કે ન્યાય ઓછા સમયમાં નરાધમને ફાંસી ચડાવી દેવો જોઈએ કારણકે લાંબા સમયે ન્યાય મળે તો પણ અન્યાય કહેવાય. રેશ્માએ કહ્યું કે સરકારે તાત્કાલિક રૂપિયા ૧ કરોડ જેવું સૃષ્ટિના પરિવારજનોએ વળતર ચૂકવવું જોઈએ. તેણીએ પણ ૩૦ દિવસમાં જ આ કેસનો ફેંસલોઃ થાય તેવી ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

હાર્દિક પટેલે જેતલસર ખાતે સ્વ.સૃષ્ટિના પરિવારજનોને મળીને શાંત્વના આપી ધીરજ રાખવા કહ્યું હતું. તેમને કહ્યું હતું કે સરકાર તરફથી વળતર મળે તેવી તેઓ દ્વારા સતત રજૂઆતો થઇ છે. દરમિયાન તેમને રૂપિયા ૨૧ હજારની રકમનો ચેક સૃષ્ટિના પરિવારજનોને આપી સહાયના શ્રીગણેશ કર્યા હતા.

(10:48 am IST)