Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મોરબી-૧૭, ધોરાજી-૧૦, કોડીનાર પંથકમાં ૭ કોરોના કેસ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહામારીનું ફરી સંક્રમણ વધતા લોકોમાં ગભરાટ : તંત્રમાં દોડધામ

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીનું ફરી સંક્રમણ વધતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. દિવસેને દિવસે કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

મોરબી પંથકમાં ૧૭, ધોરાજીમાં ૧૦, કોડીનાર, પંથકમાં ૭ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જીલ્લામાં ચુંટણી પત્યા બાદ હવે કોરોના કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વિસ્ફોટ થયો હોય તેમ જીલ્લાના પાંચ તાલુકામાં ૧૭ નવા કેસો નોંધાયા છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૨ કેસ જેમાં ૦૫ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદના ૦૨ કેસ ગ્રામ્ય વિસ્તાર તેમજ ટંકારા અને માળિયામાં ૦૧-૦૧ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૭ કેસો નોંધાયા છે તો આઠ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૪૭૧ થયો છે. જેમાં ૮૦ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૧૭૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં કોરોના નો કહેર વધ્યો છે અને ૪૮ કલાકમાં ૧૦ નવા કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે.

ગઈકાલના નવા ૫ કેસ નોંધાયા હતા. જયારે આજે વધુ પાંચ કેસ નોંધાયા છે જેના કારણે તંત્રમાં ચિંતા પ્રસરી ગઇ છે. લોકો બેદરકાર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી જાય છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : કોડીનારનાં છારા-સરખડી ગામનાં દરિયાકાંઠે આકાર લઈ રહેલા શાપુરજી પાલોનજી ગ્રુપનાં સીમર પોર્ટમાં અનેક નાની મોટી કોન્ટ્રાકટ કંપનીઓ કામ કરે છે જે પૈકી એક કંપની માં કામ કરી રહેલા પરપ્રાંતિય વર્કરોમાં એકી સાથે સાત વર્કરોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં અને કંપનીમાં કામ કરી રહેલા અન્ય કામદારોમાં દહેશત મચી જવા પામી છે.જોકે તંત્ર દ્વારા આ તમામ વર્કરોને તાત્કાલિક હોમ કોરોન્ટાઈન કરી તાત્કાલિક સારવાર ચાલું કરી છે. તેમજ જે જગ્યા પર કામ કરતા હતા તે સ્થળ પર ૩ દિવસ માટે કામ બંધ કરાવી અને કલોઝ કનેકટ વર્કરોની યાદી કરી તમામનાં રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યાર બાદ ૫૦ ટકા વર્કરોનાં ધોરણે કામ ચાલુ કરવા તંત્રએ આદેશ આપ્યો છે તેવું બ્લોક હેલ્થ ઓફીસરે જણાવ્યું છે.

કંપનીનાં કામદારોમાં કોરોના પ્રસરી ગયો હોવા છતાં ઝડપથી પોર્ટ ચાલુ થાય તે માટે ઝડપી કામ કરાવવાની લ્હાયમાં કંપની દ્વારા લોકોનાં આરોગ્યની પરવાહ કર્યા વગર જોરશોરથી કામ ચાલું જ છે. હવે તો તંત્ર દ્વારા સધન ટેસ્ટિંગ હાથ હાથ ધરાયા બાદ જ કેટલા લોકો માં કોરોનાનું સંક્રમણ ફેલાયું હશે..!! તે ખ્યાલ આવશે હાલ આ કંપનીમાં પરપ્રાંતીય કામદારો સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં કામ કરી રહ્યા હોય તેમજ કંપનીનાં કામદારો કોડીનાર શહેરનાં વિવિધ વિસ્તારો અને સોસાયટીમાં રહે છે. તેમજ શહેર ભરમાં બિન્દાસ્ત ફરી રહ્યા છે. ત્યારે નગરજનોમાં પણ ભય ફેલાયો છે..!!

આ કંપનીમાં મોટા ભાગે ગુજરાત બહારથી લોકોની અવર જવર મોટો પ્રમાણમાં થાય છે અને અન્ય રાજયો માંથી આવતાની કોઈ તપાસ કે નોંધ પણ થતી નથી તેવું જાણવા મળ્યું છે ત્યારે આ કોડીનાર પંથકમાં કોરોના વિસ્ફોટની શકયતા નકારી શકાતી નથી. આ સ્થિતિમાં કંપનીનું કામ હાલ પૂરતું તંત્ર દ્વારા તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેવી નગરજનોમાં ભારે માંગણી ઉઠી છે.

(11:02 am IST)