Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

એક જ દિવસમાં જામનગર જિલ્લાના ૯,૯૦૦થી વધુએ વેકસીન લીધી

જિલ્લા વહીવટી તંત્રની મેગા વેકિસનેશન ડ્રાઇવને નાગરિકોનો બહોળો પ્રતિસાદ : તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ૨૭૨ સ્થળો પર કરાયું હતું વેકસીનેશનનું આયોજન

જામનગરઃ  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત રવિવારના રોજ જામનગર જિલ્લાના વિવિધ ૨૭૨ સ્થળે ખાસ ઝુંબેશના ભાગરૂપે કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં રસી લઈને જિલ્લાના પ્રબુદ્ઘ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મેગા વેકિસનેશન ડ્રાઈવમાં તા.૨૨ માર્ચના રોજ ૯,૯૧૧ કરતાં પણ વધુ વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

રાજયમાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા વેકિસનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકીય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી લેનાર દિલ્હી પબ્લિક સ્કૂલના શિક્ષણવિદ શ્રી દીપકભાઈ પુરોહિત કહે છે કે, રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત છે. અમે દંપતીએ જયારે રસી લીધી, સંપૂર્ણ સ્ટાફ દ્વારા ખૂબ જ સરળતાથી દરેક પ્રક્રિયામાં સહયોગ મળ્યો. આ ઉપરાંત મારા વયોવૃદ્ઘ પિતાને રસી મુકાવવા સમયે રસીકરણ સ્થળ પરની સુવિધા, તત્કાલ રસીકરણની પ્રક્રિયા, રસીકરણ બાદ વેઇટિંગમાં ખાસ વ્યવસ્થાઓ હતી જેના થકી કોઈ મુશ્કેલી વગર સંપૂર્ણ પ્રક્રિયા અમે પૂર્ણ કરી શકયા છીએ.

આ ઉપરાંત રસીકરણ સ્થળ પર આવવા-જવા માટે રીક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, આ દરેક વ્યવસ્થાઓ પ્રસંશનીય છે. વળી અમને રસીની કોઈ આડઅસર થઈ નથી તો જામનગરમાં દરેક વરિષ્ઠ નાગરિકોને આ રસી લઇ પોતે સુરક્ષિત થવા અને પરિવાર તેમજ સંપૂર્ણ જામનગર જિલ્લાને સુરક્ષિત બનાવવા માટે ખાસ અપીલ કરું છું.

સાથે જ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્ત્।મ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપી તા.૨૨ માર્ચના રોજ ૯,૯૧૧ જેટલા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. એટલે કે માત્ર એક જ દિવસમાં ૯,૯૧૧ જેટલા લોકોએ રસી લઈ જિલ્લામાં સૌથી વધુ રસીકરણનો વિક્રમ નોંધાવ્યો છે.

:સંકલનઃ

વિરેન્દ્રસિંહ પરમાર / દિવ્યાબેન ત્રિવેદી

માહિતી મદદનીશ

ફોટો : ગજેન્દ્રસિંહ જાડેજા

માહિતી બ્યુરો, જામનગર

(11:47 am IST)