Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

આ ઉનાળામાં કેસર કેરી ભરપૂર ખાવા મળશેઃ પ્રારંભે 10 કિલોના 700થી 800 રૂપિયા રહેવાની શક્‍યતા

જુનાગઢ: ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં કેસર કેરી બજારમાં જોવા મળશે.

સ્વાદના શોખીનો માટે ખૂબ સારા સમાચાર છે. હાલ ગીરની કેસર કેરી આંબા પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેસર કેરી તયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં કેરી બજારમાં જોવા મળશે. બીજી તરફ ખેડૂતોના મતે આ વર્ષે એવરેજ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. કેરીની સીઝનની શરૂઆતમાં ખેડૂતોને 700 થી 800 રૂપિયા પ્રતિ 10 કીલો બોક્સમાં ભાવ રહેશે અને બજારમાં કેસર કેરીની આવક વધશે. તેમ ભાવ પણ થોડા ઓછા થશે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કેસર કેરીમાં વિટામીન સીની માત્રા ખૂબ હોઈ છે. જેના લીધે કોરોના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ વર્ષે ખેડૂતોને પણ આવકની દ્રષ્ટિએ પ્રતિ વર્ષની જેમ એવરેજ આવક જોવા મળશે.

કેસર કેરીનું આ વર્ષે બાગાયત અધીકારી એ.એમ કરમુરના મતે જૂનાગઢ જિલ્લામાં 8650 હેક્ટર આંબાની બાગાયત ખેતી થાય છે. ત્યારે ગત વર્ષે 56 હજાર મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું અને ગત વર્ષે વરસાદ પુષ્કળ પ્રમાણ થયો હતો. જેના લીધે આંબા પર ફ્લાવરીંગ પણ મોડું થયું છે. જયારે કેસર કેરી એક્સપોર્ટ કરવા માટે બાગાયત વિભાગમાં રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. 500 જેટલા ખેડૂતોએ વિદેશમાં કેસર કેરી નિકાસ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જયારે ગીરની કેસર કેરી યુરોપ કન્ટ્રીની સાથે અમેરિકા, આરબ અમીરાત અને જાપાનમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે આ વર્ષે કેસર કેરી સારા પ્રમાણમાં વિદેશમાં નિકાસ કરવામાં આવશે.

(4:37 pm IST)