Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામનગરમાં દરિયાઈ ગાયના સંરક્ષણ અંગે ખાસ તાલીમ સંપન્ન

મરીન નેશનલ પાર્ક- જામનગર અને ભારતીય વન્યજીવ સંસ્થાન (WII)ના સંયુકત ઉપક્રમે વનવિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફની એક દિવસીય તાલીમ જામનગરના ઠેબા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.ર૩ : કચ્છના અખાતમાં જોવા મળતી  દુર્લભ પ્રજાતિની દરિયાઈ ગાય- ડૂગોંગ વિશ્વનું એકમાત્ર શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે. આખા વિશ્વમાં તેની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો છે. આથી ભારતમાં તેને બચાવવાના પ્રયાસો છેલ્લા ૫ વર્ષથી ભારતીય વન્યજીવ સંસ્થાનના સંશોધકો દ્વારા થઈ  રહ્યા છે. ભારતમાં ડૂગોંગની વસ્તી ગુજરાતના કચ્છના અખાત સિવાય તામિલનાડુના મન્નારના અખાત તથા પાલ્કની ખાડી અને આંદામાન- નિકોબારના ટાપુઓના દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. ડૂગોંગ માત્ર દરિયામાં ઉગતા  દરિયાઈ ઘાસને જ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેને દરિયાઈ ગાય તરીકે પણ ઓળખવામાં  આવે છે.  ફોરેસ્ટ રેસ્ટ હાઉસ,જામનગર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ડૂગોંગ અને અન્ય સમુદ્રી સસ્તન પ્રાણીઓને બચાવવા માટે જરુરી એવી રેસક્યુની તાલીમ ભારતીય વન્યજીવ સંસ્થાન માં કામ કરતી સંશોધક (રિસર્ચર)  શિવાની પટેલ દ્વારા  આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ક્ષિતિજ ફોઉન્ડેશનના ફાઉન્ડર દેવેન મેહતાએ પણ સહભાગી બની દરિયામાં સ્થળાંતર કરતા સમુદ્રી-જીવો વિષે ચર્ચા કરી હતી. જામનગર, ખીજડીયા, જોડિયા, પોશીત્રા, ચેર-જામનગર અને દ્વારકા સહિતના મરિન નેશનલ પાર્ક ના કાર્યક્ષેત્ર માં આવતા જિલ્લાઓના કુલ ૨૦ વન અધિકારીશ્રીઓને ઘ્ખ્પ્ભ્ખ્- ડૂગોંગ પ્રોજેકટ વિષે માહીતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ જામનગર મરીન નેશનલ પાર્ક વિસ્તારના નાયબ વનસંરક્ષક સેન્થિલ કુમાર (આઈ.એફ.એસ.) તથા જામનગર અને દ્વારકા વિસ્તારના નાયબ વનસંરક્ષક આર. ધનપાલ (આઈ.એફ.એસ.) , અને મદદનીશ વનરક્ષક નિલેશ જોશી ની મહત્વપૂર્ણ હાજરી અને સતત સહયોગ અને સહકાર થી સફળતા પૂર્વક શક્ય બન્યો. ભવિષ્યમાં સમુદ્રી ઘાસના વિસ્તારો અને ડૂગોંગના સંરક્ષણ માટેના જરૂરી પગલાંઓ લેવા અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા)

(1:38 pm IST)