Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

માળિયાના મેઘપર પાસે બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા સામે ગુનો : બાળકી દાખલ

રાજકોટ સારવાર બાદ સીડબલ્યુસીને સોંપવામાં આવશે આનંદી સંસ્થાના અગ્રણીઓ રાખી રહ્યા છે બાળકીની દેખરેખ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: માળિયા તાલુકાના મેઘપર ગામ નજીક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હોય જે બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને નવજાત બાળકીને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના મેઘપર ગામ નજીક બાવળની કાંટમાં એક નવજાત બાળકી પડી હોવાનું સરપંચને જાણવા મળ્યું હતું જેથી સરપંચ વિજયભાઈ મિયાત્રા સ્થળ પર દોડી ગયા હતા અને તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હોય જેથી તુરંત માળિયા પોલીસને જાણ કરી હતી અને માળિયા પોલીસ ટીમના ગીરીશભાઈ મારૂણીયા, પ્રવીણભાઈ પરમાર અને મહિલા પોલીસ જનકબેન કણઝારીયા સ્થળ પર પહોંચીને નવજાત બાળકીને માળિયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો માળિયા પંથકમાં નવજાત ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા સભ્ય સમાજ સામે આંગળી ચિંધાઈ રહી છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ઘ લોકોનો રોષ ભભૂકયો છે

જે બનાવ મામલે માળિયા આનંદી સંસ્થાના જયોત્સનાબા જાડેજાએ જણાવ્યું હતું કે સવારે ૮:૧૫ કલાકે પોલીસ મારફત બનાવની જાણ થતા તેઓ માળિયા સીએચસી પહોંચ્યા હતા અને નવજાત બાળકીને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ મોરબી સિવિલ ખસેડાઈ છે અને બાળ સુરક્ષા એકમના રંજનબેનને જાણ કરવામાં આવી હતી નવજાત બાળકી હેલ્ધી હોવાનું જાણવા મળ્યું છે તો વધુ સારવાર માટે રાજકોટ ખસેડાશે અને બાદમાં બાળ સુરક્ષા એકમને સોપવામાં આવશે

જે બનાવ મામલે મેઘપર ગામના સરપંચ વિજયભાઈ મિયાત્રા દ્વારા અજાણી સ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી સ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેથી પોલીસે સરપંચની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)