Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ભાણવડમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર

''શહેરમાં આવેલા તમામ ગે.કા. બાંધકામો હટાવાશે'': આસિ. કલેકટર ભાણવડના ઇતિહાસમાં થવા જઇ રહેલું સૌથી મોટું ડિમોલેશન

(ડી. કે. પરમાર દ્વારા) ભાણવડ તા. ર૪: છેલ્લા ત્રણ માસથી ટોક ઓફ ધી ટાઉન બનેલા ગેરકાયદેસર બાંધકામોના ડિમોલેશનનો આખરે આજથી પ્રારંભ થઇ ગયો છે અને શહેરના જે પણ વિસ્તારોમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો કરવામાં આવેલ છે તે તમામ દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવનાર હોવાનું આસિસ્ટન્ટ કલેકટર તેમજ પ્રાંત અધિકારી દિનેશ ગુરવે પત્રકારોને જણાવ્યું છે.

ભાણવડમાં ગેરકાયદેસર બાંધકામો કરનારાઓમાંં છેલ્લા ત્રણ મહિનાથી ફફડાટ ફેલાવી દેનાર પ્રાંત અધિકારી દિનેશ ગુરવે ભાણવડના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનનીક ામગીરીને અંજામ આપતી કાર્યવાહીનો આરંભ કરી દીધેલ છે અને છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી અટકળોનો અંત આણી દીધો છે. ગત સપ્ટેમ્બરમાં અહીના બાયપાસ રોડ પર અખેડા સામેના દબાણો હટાવાયા બાદ પ્રાંત અધિકારી ગુરવે ભાણવડ સીટી સર્વે કચેરીમાંથી વિગત મેળવી સરકારી જમીનો પર જયાં જયાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા.

આસિ. કલેકટર અને પ્રાંત અધિકારી દિનેશ ગુરવે એકદમ હુંકાર સાથે જણાવ્યું હતું કે, શહેરમાં જયાં પણ સરકારી જમીનો પર દબાણો થયેલા છે તેનો સર્વે કરીને એ તમામ દબાણો દુર કરવામાં આવશે. આ દબાણો કરનારાઓને સક્ષમ આધાર પુરાવાઓ રજુ કરવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો અને તેમના તરફથી કોઇ સક્ષમ આધાર-પુરાવા રજુ કરવામાં ન આવેલ જેથી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે. ત્યારે ભાણવડના ઇતિહાસમાં દાખલારૂપ અને સાહસિક કદમ ઉઠાવનાર આસિ. કલેકટર તેમજ પ્રાંત અધિકારી દિનેશ ગુરવની ભારે પ્રશંસા થઇ રહી છે. ડિમોલેશનની કાર્યવાહીમાં ભાણવડ મામલતદાર અઘેરા, ચિફ ઓફિસર કરમુર, સીટી સર્વે સુપ્રિ. કે. વી. દોષી તેમજ રેવન્યુ વિભાગના સ્ટાફે સંયુકત ભુમિકા ભજવી હતી. ત્યારે ડિમોલેશનની કાર્યવાહીમાં કોઇ અડચણ ન આવે એ માટે પોલીસ પ્રોટેકશન આપતા પી.આઇ. જી. આર. ગઢવી, પીએસઆઇ જયદિપસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાનો સવારથી ચાંપતો બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો.

ડિમોલેશનના પ્રારંભે બે માળના કોમ્પ્લેકસને તોડી પાડતા આશરે ૩૦૦૦ ચો. ફુટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. બે-ત્રણ દિવસના અંતરે ડિમોલેશનની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

(11:34 am IST)