Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

અંજારમાં રેલવે ફાટકની બાજુમાં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં ભયાનક આગ ભભૂકી

વેલસ્પન કંપનીના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા

અંજાર : શહેરથી સતાપર તરફ જતા રેલ્વે ફાટકની બાજુમાં પ્લાસ્ટિકનાં ભંગારના વાડામાં ભયાનક આગ લાગી હતી. જેના ધુમાડો દૂર સુધી નજરે પડાતા લોકોમાં કુતુહલ ફેલાયુ હતુ. તો ઘટના સ્થળની આજુબાજુમાં માધવવિલા કોલોની અને ઝુંપડપટ્ટી હોવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો

  બનાવ અંગે અંજાર નગરપાલિકાને જાણ ‌કારતા સુધરાઈના ફાયર ફાઇટરથી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. પરંતુ આગ ભયાનક હોવાના કારણે આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ત્યારબાદ વેલસ્પન કંપનીને પણ જાણ કરવામાં આવતા વેલસ્પન કંપનીના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને નગરપાલિકા તેમજ કંપનીના ફાયર ફાઈટરોની સંયુક્ત મદદથી આગ ઓલવવામાં આવી હતી.

 ભંગારના વાડાની બાજુમાં જ આવેલી માધવવિલા સોસાયટીના સ્થાનિકોના જાણાવ્યા પ્રમાણે અહિં ‌અવારનવાર આગના નાના-મોટા બનાવો બનતા હોય છે. જો કે આજે આગના કારણે ઉડેલા ધૂમાડાના ગોટાઓને કારણે બે બાળકો તમેજ એક મહિલાને ગુંગળામણ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગાંધીધામથી ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરનું ફાયર ફાઇટર પણ બનાવને પગલે ઘટના સ્થળે દોડી આવ્યું હતું. તો અંજાર પોલીસ સ્ટેશન દ્વારા પણ સ્ટાફને તાત્કાલિક બનાવ સ્થળે ગોઠવીને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ભીષણ આગને કારણે તાત્કાલિક ફાયર ફાઇટરો આવી જવાથી ‌આગ‌ પર કાબૂ મેળવવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

(9:30 pm IST)